10 એકરની વિશાળ જગ્યામાં વિસ્તરાયેલા માર્કેટિંગ યાર્ડની સત્તા હસ્તગત કરવા ગોઠવાતા રાજકીય સોગઠા, પ્રવર્તમાન ચેરમેન ફતાભાઇ ધારિયા દ્વારા સત્તારૂઢ રહેવા માટેના વિશેષ પ્રયત્નો.
6ઠ્ઠી સપ્ટેમ્બરે ફોર્મ ભરાવાનું ચાલુ થશે
ઉત્તર ગુજરાતના પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.18મી સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી અંતર્ગત તા.6ઠ્ઠી સપ્ટેમ્બરે ફોર્મ ભરાવાના છે, ત્યારે અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રવર્તમાન ચેરમેન ફતાભાઇ ધારિયા દ્વારા આ પદ પર સત્તારૂઢ રહેવા અંગે પ્રયત્નો ચાલી રહ્યા છે, તો બીજી તરફ વિરોધીઓ પણ એડી ચોટીનું જોર લગાવવા માટે પ્રયત્નશીલ હોવાનો ઘાટ ઘડાયો છે. તાજેતરમાં યાર્ડમાં 190 બોગસ ચૂંટણીલક્ષી લાયસન્સ ઇસ્યૂ કરાયાના આક્ષેપ સાથે પાલનપુર યાર્ડમાં ત્રણેક દિવસની હડતાલને કારણે કરોડોનું ટર્નઓવર ઠપ્પ થયું હતું, જે મામલાની આગ હવે શાંત થઇ ગઇ હોઇ, રાબેતા મુજબ હરાજી સહિતના કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે
18મી સપ્ટેમ્બરે યાર્ડમાં ચૂંટણી
ઉત્તર ગુજરાતના પાલનપુરમાં અંદાજે દસેક એકર જગ્યામાં વિસ્તરાયેલું માર્કેટિંગ યાર્ડ હાલ સહકારી ક્ષેત્રના ગરમાતા રાજકારણ વચ્ચે ચૂંટણીલક્ષી કામગીરીને લઇને ચર્ચામાં આવ્યું છે. સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા.18મી સપ્ટેમ્બરે યાર્ડમાં ચૂંટણી છે, અને 19મીએ ચૂંટણીનું સત્તાવાર પરિણામ જાહેર થશે. આ ચૂંટણી અંતર્ગત તા.6ઠ્ઠી સપ્ટેમ્બરથી ફોર્મ ભરાશે, ત્યાર બાદ ચૂંટણીના પરિણામ અંતર્ગત સાચો અંદાજ, અટકળો, સિનારિયો સહિતના મુદ્દાઓ ચર્ચામાં આવશે. પાલનપુર યાર્ડની ચૂંટણી અંતર્ગત ખેડૂત વિભાગ, ખરીદ વેચાણ સંઘ વિભાગ, વેપારી વિભાગ મળી કુલ 16 ડીરેક્ટરોના ભાવિનો ફેંસલો જાહેર થશે. યાર્ડમાં હાલ ભાજપની જ બોડી છે, પ્રવર્તમાન ચેરમેન ફતાભાઇ ધારિયા કહે છે કે, યાર્ડમાં ચૂંટણીલક્ષી ગરમાવો છે. દરમિયાન ચેરમેન ફતાભાઇ ધારિયાએ પોતે પણ યાર્ડના ચેરમેનના પદ માટે ફરી સત્તારૂઢ રહેવા માટેની તૈયારી દર્શાવી હતી.
દસ એકર જગ્યામાં ફેલાયેલું
પાલનપુર યાર્ડ હાલ દસ એકર જગ્યામાં ફેલાયેલું છે, તેમજ યાર્ડમાં દર વર્ષે સૌથી વધુ કહી શકાય તેવી મગફળીની વિક્રમી આવક નોંધાતી હોય છે, અન્ય એરંડા, રાયડો, ઘઉં, બાજરો, વરિયાળી સહિતની મોટાભાગની જણસોની આવકો તો થતી જ હોય છે, પરંતુ મગફળી જેવી નહીં ! યાર્ડમાં હરાજી કાર્ય માટે બે મોટા શેડ છે, બાકી માર્કેટમાં 300 જેટલી પેઢીઓ છે, જે પેઢીઓની આગળ ઉભા રહીને ખેડૂતો સ્વતંત્ર રીતે હરાજી કરી શકે તેવી વ્યવસ્થા છે. માર્કેટિંગ યાર્ડનું વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયાનું હોવાનું સત્તાધિશો જણાવી રહ્યા છે.
Share your comments