ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર જૂનાગઢમાં મતદાનની ટકાવારી વધારવા જિલ્લા વહીવટીતંત્રએ પ્રથમ વખત જિલ્લાની તમામ બેઠકમાં એનિમલ બૂથ કાર્યરત કર્યું છે. જેમાં મતદાતાઓ પહેલાં પોતાના પશુનું ચેકઅપ અને સારવાર કરે છે. જે બાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે.
જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર 5 જેટલા એનિમલ બુથ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં મતદારો પોતાના પાલતુ પ્રાણીઓને સાથે લઈને આવ્યા છે. એક તરફ પ્રાણીઓની સારવાર અને રસીકરણ થઈ રહ્યું છે બીજી તરફ પશુપાલકો મતદાન કરી રહ્યા છે.
ભારતમાં સૌપ્રથમવાર ચૂંટણીમાં એનિમલ અને હેલ્થ ચેકઅપ બુથ શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી મતદારોનો ઉત્સાહ વધે અને વધુ મતદાન નોંધાય તેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરાઈ રહ્યાં છે.
એનિમલ બુથ પર ડોક્ટરોની ટીમ ખડેપગે
જૂનાગઢ જિલ્લાની પાંચેય બેઠક ઉપર એનિમલ અને હેલ્થ ચેકઅપ બુથ શરૂ કરાયું છે. જ્યારે બુથ પર મતદારોને હેલ્થ ચેકઅપ અને તેમના પશુઓને સારવાર અપાય છે. જ્યાં એનિમલ બુથ પર ડોક્ટરોની ટીમ ખડેપગે છે.
નવતર પ્રયોગ પશુપાલકો માટે સહાયરુપ
ભારતમાં પ્રથમ વખત એનિમલ અને હેલ્થ ચેકઅપ બુથનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન કરી આવનારા મતદારો પોતાના પશુઓને એનિમલ બુથ પર હેલ્થ ચેકઅપ કરાવવા આવી રહ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રનો આ નવતર પ્રયોગ પશુપાલકો માટે સહાયરૂપ સાબિત થયો છે.
જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના માણાવદર બેઠકના શેરડી, જૂનાગઢ બેઠકના માખીયાળા, વિસાવદર બેઠકના વાંદરવડ, કેશોદ બેઠકમાં પસવાડીયા અને માંગરોળ બેઠકના કુકસવાડા બુથ પર એનિમલ બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં મતદારોને મતદાન કર્યા બાદ તેમના પશુઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવશે. તે ઉપરાંત માણાવદર બેઠકના કણજા, જૂનાગઢ બેઠકના પ્લાસવા, વિસાવદરના મોણીયા, કેશોદના અજાબ અને માંગરોળના ગડુ ખાતે એનિમલ હેલ્થ ચેકઅપ બુથ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં મતદારોને મતદાન કર્યા બાદ તેમના પશુઓનું હેલ્થ ચેકઅપ કરાવી રહ્યાં છે.
Share your comments