Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન, 19 જિલ્લાઓમાં મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ

આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠક પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવાર મેદાને છે. તેમને જિતાડવા, હરાવવા માટે 19 જિલ્લાના 2 કરોડ 13 લાખ મતદાર મતદાન કરશે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
બહુચર્ચિત ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે. આ અંતર્ગત 89 બેઠક પર મતદાન પ્રક્રિયા કાર્યરત છે. આ એ ક્ષેત્ર છે, જ્યાં ગત વખતે પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર જોવા મળી હતી, એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત એટલે નર્મદાની પેલે પારનો સમગ્ર વિસ્તાર. નર્મદાથી મુંબઈના ખૂણા સુધી. અહીં 35 સીટ છે. સુરત, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ અને નર્મદા જિલ્લો. સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 54 બેઠક છે. સૌરાષ્ટ્રમાં 48 અને કચ્છમાં છ. રાજકોટ, દ્વારકા, સોમનાથ, પોરબંદર અને ભાવનગરની તમામ પ્રતિષ્ઠિત બેઠકો આ વિસ્તારમાં આવે છે. જોકે હવે તમામનું ધ્યાન મતદાન પર છે. 

આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે.  

રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં 31% મતદાન

  • સૌથી વધુ ડાંગ અને તાપી જિલ્લામાં 35% મતદાન
  • સૌથી ઓછુ દ્વારકામાં 28% મતદાન
  • નર્મદામાં 33% અને નવસારીમાં 32% ટકા મતદાન
  • વલસાડ અને મોરબીમાં 32-32% મતદાન
  • રાજકોટમાં 31% મતદાન
  • ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર 30-30% મતદાન
  • કચ્છ, બોટાદ, સુરત, ભરૂચ અને જૂનાગઢમાં 29-29% મતદાન
  • પોરબંદર 28% મતદાન નોંધાયું

પહેલા તબક્કાની 89 બેઠકમાંથી 32 પર પાટીદાર જ ‘કિંગમેકર’ની ભૂમિકા નિભાવે છે. આ વખતે આમ આદમી પાર્ટીને કારણે ત્રિપાખિયો જંગ જોવા મળશે. હવે સવાલ એ છે કે આપ, ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ પાર્ટીને સૌથી વધુ નુકસાન પહોંચાડશે? કારણ કે ગત વર્ષે પાલિકાની ચૂંટણી દરમિયાન આપ પાર્ટીએ ભાજપના ગઢ સુરતમાં 27 વોર્ડ પર જીત મેળવી હતી.

 

જાતિ સમીકરણ: સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં 40% પાટીદાર જીત-હાર નક્કી કરે છે

સૌરાષ્ટ્રમાં પટેલ સમુદાયનું વર્ચસ્વ છે. સૌરાષ્ટ્રમાં 40% પટેલ મતદારો છે, જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં તેની વસતી 12% છે. અહીં બીજો સૌથી મોટો સમુદાય કોળી છે જે કોંગ્રેસના સમર્થક છે. દ.ગુજરાતમાં 35 બેઠક છે. અહીં પાટીદાર, મરાઠી, પરપ્રાંતીય મતદારો છે. તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, વલસાડ અને નર્મદા જિલ્લામાં 14 બેઠક STની છે.

આપના CM ઉમેદવાર ઇશુદાન ગઢવી સહિત 10 મંત્રી, 22 મહિલાનું ભાવિ નક્કી થશે

પહેલા તબક્કામાં 10 મંત્રી મેદાનમાં છે. 22 મહિલા પણ છે. ભાજપની 9, કોંગ્રેસની 6 તેમજ આપની 5 મહિલા ઉમેદવાર મેદાનમાં છે. દિગ્ગજોની વાત કરીએ તો જામનગર ઉત્તરથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબા, ખંભાળિયાથી આપના CM ઉમેદવાર ઇશુદાન ગઢવી, રાજકોટ પૂર્વથી કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ, દ્વારકાથી પબુભા માણેક સામેલ છે.

ભાજપ: આક્રમક પ્રચાર, માઇક્રોલેવલ ફોર્મ્યુલા

દ.ગુજરાતમાં ભાજપાધ્યક્ષ સી.આર પાટીલે માઇક્રોલેવલ પર બૂથ મેનેજમેન્ટ કર્યું છે. અત્યાર સુધી પાર્ટી 100 ઘર પર 1 અધ્યક્ષ નિયુક્ત કરતી હતી. આ આઇડિયાથી નવસારી લોકસભા ચૂંટણીમાં ભાજપ 6,89,668 મતથી એટલે કે 52.2%ના માર્જિનથી જીત્યો હતો. જો દક્ષિણ ગુજરાતમાં આ ફોર્મ્યુલા સફળ થશે તો પાર્ટી સમગ્ર દેશમાં લાગુ કરશે.

કોંગ્રેસ: ફોકસ સ્થાનિક મુદ્દા અને ઉમેદવારો પર

કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ફોકસ કરી રહી છે. તદુપરાંત પાર્ટી બ્લૉક સ્તરના ઉમેદવારોને ચહેરો બનાવીને ચૂંટણી લડી રહી છે. આ જ કારણ છે કે ગુજરાતથી બહારના નેતાઓએ સભા કરી નથી. રાહુલ ગાંધીએ પણ માત્ર એક દિવસમાં બે સભા કરી. કોંગ્રેસના નેતાઓ અનુસાર જો તેમને આ પ્રયોગમાં સફળતા સાંપડશે તો બીજાં સ્થળોએ લાગુ કરાશે.

આપ: ઓટીપી ફેક્ટર અને ફ્રી સ્કીમ્સનો સહારો

આપ ગુજરાતમાં ચૂંટણી જીતવા ‘ઓટીપી’ ફેક્ટર અને મફત સ્કીમ્સના ભરોસે છે. સૌરાષ્ટ્રમાં ઓબીસી વર્ગથી ઇશુદાન ગઢવીને CM ચહેરો બનાવાયો છે. પાર્ટી ગેરંટીકાર્ડ આપી રહી છે. સરકાર બનશે તો મફત વીજળી, બેરોજગારી ભથ્થું, મહિલાઓને ભથ્થું જેવા વાયદાઓ કર્યા છે. તદુપરાંત સૌરાષ્ટ્રમાં પેપર લીક મામલાને મોટો મુદ્દો બનાવીને પ્રચાર કરી રહી છે.

બેન્ડ-વાજા અને વોટિંગ: 1 લાખ લગ્ન સમારોહે ટેન્શન વધાર્યું

​​લગ્નની સીઝને દરેક પાર્ટીની ચિંતા વધારી છે. ગુજરાતમાં આ જ સપ્તાહે 45 હજારથી વધુ લગ્નપ્રસંગો છે. સૌથી શુભ દિવસ 2, 3 અને 4 ડિસેમ્બરે અંદાજે 1 લાખ લગ્ન સમારોહનું આયોજન થશે. જેનાથી વોટિંગ ટર્નઆઉટ ઘટી શકે છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હશે. લગ્નની સીઝન 13 ડિસેમ્બર સુધી ચાલશે.

Share your comments

Subscribe Magazine

More on News

More