
- વિદેશમંત્રી જયશંકરની હાજરજવાબી.. પાકિસ્તાની રિપોર્ટરની એક જ લાઇનમાં બોલતી કરી બંધ
- પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ, અમેરિકામાં એમ્બેસીની બિલ્ડિંગ વેચવા મજબૂર
- અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલનું નાઈટ ટ્રાયલ સફળ, પાકિસ્તાન-ચીનથી લઈને અડધી દુનિયા સુધી કરશે પ્રહાર
- બાંગ્લાદેશની ભારતને સેલ્યુટ, ચીનને ચેતવણી આપતા કહ્યું કે આ 1962નું ભારત નથી યાદ રાખજો
- અમદાવાદીઓ માટે આનંદના સમાચાર, ત્રણ વર્ષ બાદ નાતાલમાં યોજાશે કાંકરીયા કાર્નિવલ
- મોંઘવારીનો માર/ અમૂલ લુઝ ઘીમાં ભાવ વધારો લાગુ, એક કિલો લુઝ ઘીમાં રૂ.૩૫નો ભાવ વધારો
- બનાસ ડેરી દ્વારા પશુપાલક હિતલક્ષી નિર્ણય, પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો થતા પશુપાલકોને શુક્રવારથી મળશે 790 રૂપિયા
- માવઠાની આગાહી વચ્ચે બેડી યાર્ડનું તંત્ર સજ્જ, મગફળીને ઢાંકવામાં આવી
- બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસ નોંધાયા
- ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સૂચના
- ગુજરાતમાંથી હટી જશે વાદળો, ટૂંક સમયમાં થશે ઠંડીમાં ફરી વધારો
- સૌરાષ્ટ્રમાં માવઠાની માઠી અસર, કેરીના મહોર ખરી પડ્યા, ધરતીપુત્રોની ચિતામાં વધારો
- બજાર દબાણમાં, સેન્સેક્સ 92 અંક અને નિફ્ટી 77.90 અંક તૂટીને ખૂલ્યા
- બાંગ્લાદેશ પ્રથમ ઈનીંગમાં 150 રનમાં સમેટાયુ, ભારતે ના આપ્યુ ફોલોઓન, 254 રનની લીડ
- IPL 2023 માં ક્રિસ ગેઈલ જોવા મળશે નવા અંદાજમાં, ‘યુનિવર્સ બોસ’ જોવા મળી શકે છે આઈપીએલ વિશ્લેષક તરીકે
જાણો વિસ્તારથી
ભારતના વિદેશ મંત્રી S જયશંકર દુનિયાભરમાં ચર્ચામાં રહે છે, તેમના હાજરજવાબી સ્વભાવના કારણે. પછી ભલે સામે અમેરિકા જેવા સુપરપાવર દેશ હોય કે પછી પાકિસ્તાન જેવા આતંકવાદી દેશ, ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે તેમના જવાબો અને વીડિયોના દેશભરમાં વખાણ થયા છે ત્યારે UNSCની બેઠકની વચ્ચે એક પાકિસ્તાની પત્રકારને જયશંકરે એવો જવાબ આપ્યો છે જે જોઈને પણ તમે પણ વિચારમાં પડી જશો. પાકિસ્તાની રિપોર્ટરે પૂછ્યું કે દિલ્હી, કાબુલ અને પાકિસ્તાનમાં ક્યાં સુધી આતંકવાદ દેખાતું રહેશે, તેમણે તરત જવાબ આપ્યો કે તમે આ સવાલ ખોટા મંત્રીને કરી રહ્યા છો. આ તો પાકિસ્તાનના મંત્રી જ જવાબ આપી શકશે કે પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદ ફેલાવતું રહેશે.
----------------
પાકિસ્તાનમાં આ વર્ષે આવેલા ભયંકર પૂર બાદ આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે તેના રાજદ્વારીઓને મિલકત વેચવાની ફરજ પડી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આવેલી કિંમતી રાજદ્વારી સંપત્તિને વેચવા માટે અખબારોમાં જાહેરાતો પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ ઈમારતની કિંમત 5 થી 6 મિલિયન ડોલર જણાવવામાં આવી રહી છે.
------------
ભારતે આજે સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલનું નાઈટ ટ્રાયલ સફળતા પૂર્વક પૂર્ણ કર્યું છે. પાકિસ્તાન-ચીનથી લઈને અડધી દુનિયા સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવતા ‘અગ્નિ 5’ મિસાઈલનું પરિક્ષણ સફળ થયુ છે. આ મિસાઈલ 5 હજાર કિલોમીટરથી વધુના અંતરે પરમાણુ બોમ્બ વડે ટાર્ગેટને પર હુમલો કરવામાં સક્ષમ છે. આ પરિક્ષણ નવી ટેક્નોલોજી અને સાધનોનું પરીક્ષણ કરવા માટે હતી. આ નવા ઉપકરણો પહેલા કરતા ઘણા હળવા છે. આ સફળ પરીક્ષણ બાદ ભારતીય સેનાની તાકાત વધુ વધી ગઈ છે, જેને જોઈને ચીનની ચિંતા વધી ગઈ છે.જ્યારે ભારતે અગ્નિ-5 મિસાઈલના પરીક્ષણની જાહેરાત કરી ત્યારે ચીને તેના જાસૂસી જહાજ યુઆન વાંગ-5ને હિંદ મહાસાગર તરફ વાળ્યુ હતુ. જોકે, ભારતીય નૌકાદળ પણ ચીનના આ જાસૂસી જહાજ પર નજર રાખી રહ્યુ છે. ભારત તરફથી કહેવામાં આવ્યુ હતું કે આ મિસાઈલનું પરીક્ષણ 15-16 ડિસેમ્બરે કરવા માટે કહેવામાં આવ્યુ હતું. જો કે તેનુ પરીક્ષણ પહેલા જ દિવસે સંપૂર્ણ રીતે સફળ રહ્યુ છે. આ મિસાઈલમાં એવી ઘણી વિશેષતાઓ છે જેના કારણે પડોશી દેશ ચીનનો તણાવ વધી ગયો છે.
-----------------
ભારતે આ દિવસે બાંગ્લાદેશને પાકિસ્તાનના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું હતું. આ દિવસને વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ અવસર પર બાંગ્લાદેશી સેનાના પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ ભારતને બાંગ્લાદેશનો સૌથી સારો મિત્ર ગણાવતા ચીન વિશે કહ્યું કે બાંગ્લાદેશ સાથે માત્ર વ્યાપારી સંબંધો છે. ‘આ 1962 નથી, આ 2022 છે’, બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધના અનુભવી લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજાદ અલી ઝહીરે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ભારતીય સેના ખૂબ જ મજબૂત અને પ્રશિક્ષિત સેના છે. તેમણે કહ્યું કે ભારત આક્રમક રાષ્ટ્ર નથી અને બાંગ્લાદેશના ચીન સાથે માત્ર વેપારી સંબંધો છે. તેમણે કહ્યું કે ભારત બાંગ્લાદેશનો શ્રેષ્ઠ મિત્ર છે.
-----------
અમદાવાદમાં ત્રણ વર્ષ બાદ ફરી એક વાર ૨૫થી ૩૧ ડીસેમ્બર દરમિયાન કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે.આઝાદી કા અમૃત મહોત્સવના થીમ ઉપર વિવિધ કાર્યક્રમ યોજાશે. ૩૧મી ડીસેમ્બરે આતશબાજી નહી કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામા આવ્યો છે.કાર્નિવલને રાજયના મુખ્યમંત્રી વિધિવત રીતે ખુલ્લો મુકશે. અંતિમ દિવસે ૩૧ ડીસેમ્બરે એક ભારત શ્રેષ્ઠ ભારતના થીમ ઉપર કાર્યક્રમ આયોજિત કરાશે.કાર્નિવલના આયોજન પાછળ મ્યુનિ.તંત્ર અંદાજે ચાર કરોડની રકમનો ખર્ચ કરશે.
-----------------
મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર વધુ બોજ સહન કરવાનો વારો આવશે, તમામ ચીજ વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. આ વચ્ચે સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીમાં પ્રતિ કિલોએ 35 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે. જેથી હવે 15 કિલો અમૂલ લુઝ ઘીનો ભાવમાં 2055 રૂપિયા થયો છે.લુઝ ઘીના 15 કિલોના ડબ્બામાં ૫૨૫ રૂપિયાનો વધારો થયો છે. આજથી જ ભાવ વધારો લાગૂ કરાયો છે. સાબરડેરીએ આ અંગે પત્ર દ્વારા મંડળીને જાણ કરી છે. નોંધનીય છે કે સતત ભાવવધારાને કારણે લોકોના ઘરનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.
----------------
ચૂટણી બાદ રાજયમાં પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી બાદ બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. ચાલુ વર્ષમાં સતત ચોથી વાર બનાસ ડેરીએ ખરીદ ભાવમાં વધારો કરતા જિલ્લાના અસંખ્ય પશુપાલકોને ફાયદો થયો છે. આ લાભ પશુપાલકોને શુક્રવારથી મળશે. બનાસ ડેરી દ્વારા અગાઉ પ્રતિ કિલો ફેટ 760 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જેમાં 30 રૂપિયાનો વધારો કરતા પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા ચૂકવવામાં આવશે. આ વર્ષે અગાઉ ત્રણ વાર પણ બનાસ ડેરી પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કરીને પશુપાલકોને ફાયદો આપી ચૂકી છે.
-------------
સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીના પગલે જગતનો તાત અને યાર્ડના વેપારીઓ ચિંતામાં મુકાયા છે..રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં મગફળી પડી હોવાથી યાર્ડનું તંત્ર સજ્જ થયું છે.જયાં ખેડૂતો અને યાર્ડના અધિકારીઓ દ્રારા મગફળીના ઢગલા પર પ્લાસ્ટિક તેમજ તાડપત્રીથી ઢાંકવામાં આવી હતી.કમોસમી વરસાદ આવે તો યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળીને ભારે નુકસાન થઈ શકે છે..જોકે આગાહીના પગલે છેલ્લા ત્રણ દિવસથી યાર્ડમાં મગફળીની આવક હાલ પૂરતી બંધ કરાઈ છે.હાલ યાર્ડમાં 20 હજાર ગુણી મગફળી હતી.. જે પૈકી 10 હજાર ગુણી મગફળીનું વેચાણ થઈ ચૂક્યુ છે..જ્યારે 10 હજાર ગુણી વહેંચવાની બાકી છે.
------------------
એક તરફ શિયાળાની ઠંડીમાં વધારો થતો જઇ રહ્યો છે. બીજી તરફ કમોસમી વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ત્યારે બેવડી ઋતુના કારણે બીમારીઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં નાના બાળકો, વૃદ્ધો તો બીમારીઓની ચપેટમાં આવી જ રહ્યા છે. નાના બાળકોમાં ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે. તો આ સાથે જ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલ્ટી સહિતનો રોગચાળો પણ અમદાવાદ શહેરમાં વકરી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે.અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસ નોંધાયા છે.
-------------
છેલ્લા થોડા દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તેમજ ઠંડા પવનોનો અનુભવ પણ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પાડવાની આગાહી કરી છે. તો ગુજરાતમાં ભારે પવન ફુંકાવાને લઇને કેટલાક દરિયાઇ વિસ્તારોમાં બંદરો પર અલગ અલગ સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે.
-------------
અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે. પરંતુ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. જેના કારણે ગુજરાતના વાતાવરણ પર અસર જોવા નહીં મળે. ગુજરાત પરથી વાદળો હટી જશે. જોકે, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહનથીએ જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં વાદળ ગુજરાત પરથી હટી જશે અને પવનની દિશા પણ બદલાઈ ગઈ છે. જેના કારણે વાતાવરણ આગામી પાંચ દિવસ સૂકું રહેશે. 24 કલાક બાદ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. જેના કારણે લોકો ઠંડીનો અનુભવ પણ કરશે. જોકે અત્યારે તાપમાન હોવું જોઈએ તેનાથી 5 ડિગ્રી આસપાસ તાપમાન વધુ રહે છે.
------------
સૌરાષ્ટ્રમાં માવઠાની માઠી અસર જોવા મળી રહી છે.જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.કારણ કે માવઠાની અસરને લઈને શિયાળુ પાકને નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે. આ સાથે જ ગીર પંથકમાં છુટોછવાયો વરસાદ પડતા કેરીના પાકના મોર ખરી પડ્યા હતા.જુનાગઢ, ભાવનગર, બગસરા, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણએ શિયાળુ પાક અને કેરીના મોરખડી પડ્યા હતાં.બીજી તરફ દ્રૌણેશ્વર, ગડું, પ્રાચીમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી વરસ્યો હતો.
-------------------------
ભારતીય શેરબજાર માટે આ સપ્તાહ અત્યાર સુધી ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ બે સેશનમાં ઉછાળો થયો હતો, પરંતુ પાછલા સત્રમાં ફરીથી મોટા ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. નિષ્ણાતોનો અંદાજ છે કે આજના બિઝનેસમાં પણ રોકાણકારો નફો બુક કરી શકે છે.
------------
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે મજબૂત સ્થિતી બનાવી લીધી છે. ભારતીય બોલરોના આક્રમણ સામે યજમાન બાંગ્લાદેશની ટીમ માત્ર 150 રન નોંધાવી સમેટાઈ ગઈ છે. ત્રીજા દિવસની રમતની શરુઆતે બાંગ્લાદેશની 2 વિકેટ બાકી રહી હતી. ભારતીય બોલર કુલદીપ યાદવ અને અક્ષર પટેલે શરુઆતના સેશનમાં જ એક એક વિકેટ ઝડપી લેતા બાંગ્લાદેશની પ્રથમ બેટિંગ ઈનીંગ સમેટાઈ ગઈ હતી.ભારતે આ સાથે જ 254 રનની વિશાળ લીડ પ્રથમ ઈનીંગના અંતે મેળવી છે. ભારતીય સુકાની કેએલ રાહુલે બાંગ્લાદેશને ફોલોઓન આપવાને બદલે બીજી ઈનીંગ માટે બેટિંગમાં ઉતરવાનુ પસંદ કર્યુ હતુ.
---------------
IPL 2023 ના માટે તૈયારીઓ શરુ થઈ ચુકી છે. 10 ફ્રેન્ચાઈઝીઓ પણ આગામી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવા માટેની રણનિતી ઘડવા લાગી છે. સૌથી પહેલા મીની ઓક્શન પર આ દરમિયાન નજર છે. મીની ઓક્શન દરમિયાન ટીમો પોતાની સ્ક્વોડ પુર્ણ કરશે. આ માટે જરુરી શાનદાર ખેલાડીઓને પોતાની સાથે જોડશે. આ માટે મોટી રકમ ખર્ચવાની તૈયારીઓના હિસાબ પણ મંડાયા છે. આ બધી જ તૈયારીઓ વચ્ચે હવે તોફાની બેટ્સમેન ક્રિસ ગેઈલને લઈ સમાચાર આવ્યા છે. તે આગામી સિઝનમાં અલગજ અંદાજમાં જોવા મળશે.‘યુનિવર્સ બોસ’ આઈપીએલમાં અલગ જ અવતારમાં એન્ટ્રી કરી રહ્યો છે. તે આ વખતે બેટથી નહીં પણ પોતાના શબ્દોથી ફટકા લગાવતો નજર આવશે.હવે તે આઈપીએલ વિશ્લેષક તરીકે જોવા મળી શકે છે.
આ પણ વાંચો : માટી રહિત ઉગાડવાના માધ્યમો: છોડ ઉગાડવા માટે 5 વૈકલ્પિક માધ્યમો
Share your comments