ખોરવાતા વીજ વિતરણને કારણે મહામહેનતે ઉગાડેલો ઉભો પાક સુકાઇ જવાની ભીતિ, સમસ્યા ન ઉકેલાઇ તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી.
ખંભાળિયા તાબાના બેહ ગામના ખેડૂતો ઘણા સમયથી વીજ સમસ્યાથી ત્રસ્ત છે, દરમિયાન શરદ પૂર્ણિમાએ અંતે કંટાળી ખેડૂતો વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં ઢોલ અને શરણાઇ વગાડી ગરબે ઘૂમિ વીજ તંત્રના વલણ સામે આક્રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે, જો આ પ્રશ્નનો ઝડપથી નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડત્રા 66 કેવી હેઠળ આવતા બેહ ગામના ખેડૂતો દ્વારા વીજ કંપનીના બાબુઓને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોએ વીજ કંપનીની કચેરીના મેદાનમાં જ ગરબે રમી વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલ મોલાતને પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે ખેડૂતોના કુવા, બોર સહિતના જળસ્ત્રોતોમાં પાણીના તળ ઉંચા હોવા છતાં વીજ તંત્રની કથિત બેદરકારીના કારણે મોલાત સુકાઇ રહી છે. છેલ્લા દસેક દિવસથી સતત વીજ વિક્ષેપ થઇ રહ્યો છે. ખેતરમાં પાણી પીવડાવવા માટે ઇલેકટ્રિક ઉપકરણો હોવા છતાં અમે ખોરવાતા વીજ વિતરણને કારણે તેનો સંપુર્ણ ઉપયોગ કરી શકતા નથી. આ બાબતે ખેડૂતોએ અનેક વખત ફરિયાદો પણ કરી છે અંતે કંટાળી ખેડૂતોએ વીજ કચેરીએ જઇ અનોખો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો - લખીમપુરમાં ખેડૂતોની હત્યાને લઈને NSUI કાર્યકર્યો કર્યુ વિરોધ પ્રદર્શન
Share your comments