સંયુક્ત કિસાન મોરચા (દિલ્હી) દ્વારા અને અન્ય સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને સંપૂર્ણ અને સક્રિય ટેકો જાહેર કરાયો.
ત્રણ કૃષિ કાયદા રદ કરવા અને એમએસપી અંગે કાનૂન રચવાની માગણી સાથે દેશની રાજધાની દિલ્હીની ફરતે છેલ્લા નવેક મહિના કરતા પણ વધુ સમયથી દેશભરના ખેડૂતોનું રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આ આંદોલનને લઇને દેશભરમાં ખેડૂતોને થઇ રહેલા અન્યાય મુદ્દે ગુજરાતના ખેડૂતોમાં પણ પ્રચંડ રોષની લાગણી જોવા મળી રહી છે. દરમિયાન ગુજરાતના ખેડૂત સંગઠનો દ્વારા સરકારના વલણનો સતત વિરોધ કરવાનો દૌર જારી છે, ત્યારે આગામી તા. 27મી સપ્ટેમ્બરના બંધના એલાન અંતર્ગત ગુજરાતના ખેડૂતોને પણ આ બંધમાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું.
સુરત ખાતેથી ખેડૂત સમાજના દક્ષિણ ગુજરાતના પ્રમુખ રમેશભાઇ પટેલ (ઓરમા) દ્વારા એક અખભારી નિવેદનમાં જણાવાયા મુજબ ‘‘ અમદાવાદમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં જોડાયેલાં ૨૩ સંગઠનોની જે સભા મળી હતી, જેમાં ભારત સ્તરે આંદોલન કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા દ્વારા અને અન્ય સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધને સંપૂર્ણ અને સક્રિય ટેકો જાહેર કરવામાં આવ્યો હતો અને સમિતીએ ગુજરાતના નાગરિકોને તે દિવસે સજ્જડ બંધ પાડવા માટે અપીલ પણ કરી હતી. ખાસ કરીને ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મજૂરોનાં સંગઠનો આ બંધના એલાનમાં જોડાશે તેવું સભામાં નક્કી થયું હતું.
તા.૨૭ સપ્ટેમ્બર સુધીમાં અને તે દિવસે ગુજરાતના તમામ જિલ્લામાં સંમેલનો બોલાવવાનું પણ સભામાં નક્કી થયું હતું. ગુજરાતના ૧૮ જિલ્લાઓના ખેડૂતો, મજૂરો અને વિદ્યાર્થી આગેવાનો આજની સભામાં હાજર રહ્યા હતા, બીજા જિલ્લાના આગેવાનોએ પણ ૨૭ સપ્ટેમ્બરના બંધને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.
Share your comments