કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડુતોને આર્થીક રીતે સધ્ધર બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. સરકારો સમય સમય પર ખેડુતો માટે અલગ અલગ યોજનાઓ લાવે છે જેથી ખેડુતોને ખેતીમાં લાભ મળે છે, પણ આજે આપણે વાત કરીશુ પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર વિશે, તો આવો જાણીએ કે તમે પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પરથી કયા કયા લાભ મેળવી શકો છો.
પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોથી ખેડૂતોને ઘણા ફાયદા છે. ખેડૂતો બિયારણ, ખાતર એક જ છત નીચે ખરીદી શકશે. ખેડૂતોને માટી પરીક્ષણ અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે
ખેતી એટલે જમીન, ઉપજ વધારવા માટે ખાતર, માટી, બિયારણ મહત્વપૂર્ણ છે. આ દરેક વસ્તુ ખરીદી કેન્દ્રો પર મોંઘા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેના કારણે ખેડૂતો અનેક વખત છેતરાયા છે. ઘણી વખત ખેડૂતોને સારી ગુણવત્તાનું બિયારણ મળતું નથી. ખેડૂતોની સમસ્યાઓ જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રની ભેટ આપી છે. આજે આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે આ સમૃદ્ધિ કેન્દ્રોથી ખેડૂતોને શું ફાયદો થાય છે? આ સમૃદ્ધિ કેન્દ્રો કેવી રીતે ખેતીની દિશા અને સ્થિતિ બદલી રહ્યા છે. તેની ખેડૂતો પર શું અસર થાય છે.
પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની ભેટ આપી છે. વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ હેઠળ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ સાથે અનેક પ્રકારની ખેતીના સાધનોની મશીનરી પણ આ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. ખેડૂતો ભાડેથી પણ મશીનરી લઈ શકશે. અહીંથી ખેડૂતો સરળતાથી ભારત બ્રાન્ડનુ ખાતર ખરીદી શકશે. ખેડૂતો જમીનનું પરીક્ષણ કરાવી શકે છે. આ ઉપરાંત ખેડૂતોને જાગૃત કરવા માટે 15 દિવસ અભિયાન પણ ચલાવવામાં આવશે. મંડીઓની આસપાસ કેન્દ્રો ઉભા કરવામાં આવશે. આ સાથે, આ કેન્દ્રો સુધી ખેડૂતો સરળતાથી પહોંચી શકશે.
એક જ છત નીચે થશે ખેડુતોના પ્રશ્નોનુ નિરાકરણ
આ કેન્દ્રો ખોલવાનો હેતુ ખેડૂતોને ખેતી વિશે જાગૃત કરવાનો અને સારા દરે ખેતીની મશીનરી, બિયારણ વગેરે ઉપલબ્ધ કરાવવાનો છે. આ કેન્દ્રોની મદદથી ખેડૂતોના પ્રશ્નોનું એક જ છત નીચે નિરાકરણ કરવામાં આવશે. ઉત્પાદક કંપનીઓ દ્વારા દેશમાં ખાતરની દુકાનો પર ડીલર મારફત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ અહીં ઉત્પાદન કંપની સમૃદ્ધિ કેન્દ્રો સાથે સીધી રીતે જોડાશે અને સસ્તા દરે સામાન ઉપલબ્ધ કરાવી શકશે.
વડાપ્રધાને 17 ઓક્ટોબર 2022ના રોજ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં 600 PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશમાં 330499 છૂટક ખાતરની દુકાનોને કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવશે. અહીં ખેડૂતોને ખાતર, બિયારણ, સાધનો, માટી પરીક્ષણ અને ખેતી સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ થશે. કૃષિ સેવા કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખેત ઉત્પાદન વધારવા ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
તમામ ખેડૂતો લઈ શકે છે આ યોજનાનો લાભ
કેન્દ્ર સરકારના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ યોજના દેશના દરેક ખેડૂત માટે છે. તમામ ખેડૂતો કેન્દ્રોની મુલાકાત લઈને આ યોજનાનો લાભ લઈ શકે છે. કોઈપણ ખેડૂત માટી પરીક્ષણ કરાવી શકે છે. આ કેન્દ્રો શરૂ થયા બાદ ખેડૂતોને અલગ-અલગ જગ્યાએ જવું પડતું નથી.
ખેડૂતોને મળશે અકસ્માત વીમાનો લાભ
કેન્દ્ર સરકારે કિસાન સમૃદ્ધિ કેન્દ્રનો વ્યાપ વધાર્યો છે. આ કેન્દ્રોની મુલાકાત લેતા ખેડૂતોને ખાતર માટે અકસ્માત વીમાનો લાભ પણ મળશે. IFFCO દ્વારા ખાતરની બોરી પર 4,000 રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે. આ માટે ખાતર ખરીદ્યા બાદ ગ્રાહકે પોક્સ મશીનમાંથી પાક્કું બિલ લેવું પડે છે. આ સિવાય કૃષિ સંબંધિત ઘટનાઓ માટે અકસ્માત વીમા હેઠળ 1 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવામાં આવે છે.
પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાં તમામ સુવિધાઓ એક છત નીચે પૂરી પાડવામાં આવી રહી છે, આગામી વર્ષોમાં આ કેન્દ્રો પર ડ્રોનની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ સુવિધા ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવશે. ખેડૂતોને ખેતીનું કામ કરવામાં ઘણા દિવસો લાગે છે. આમ કરવાથી સમયની બચત થશે.
આ પણ વાંચો:કૃષિ ક્ષેત્ર ઉપર આબોહવા પરિવર્તનની અસર
Share your comments