નવા કૃષિબિલનો વિરોધ કરવા માટે દિલ્હી ખાતે છેલ્લા વીસેક દિવસથી આંદોલન કરી રહેલાં ખેડૂત સંગઠનોની સાથે આમ તો આખા દેશના ખેડૂતો છે જ, પરંતુ જેમ જેમ લોકોની જાણકારી વધતી જાય છે એમ એમ લોકો આંદોલનથી વધુ ને વધુ દૂર થતા જાય છે, એવી માહિતી મળી રહી છે. આંદોલનની સાવ નજીક રહેલાં સૂત્રો જણાવે છે કે, હવે આ આંદોલન વિખેરાવા લાગ્યું છે અને હવે વધારે લાંબું નહીં ચાલે. ખેડૂતોના એક સંગઠને તો કેન્દ્ર સરકારને પોતાનો ટેકો પણ જાહેર કરી દીધો છે.
ચિલ્લા બોર્ડર પર ધરણાં બંધઃ દિલ્હી-નોઇડાની વચ્ચેની ચિલ્લા સરહદે ધરણાં પર બેઠેલા ખેડૂત-સંગઠને પોતાનો વિરોધ બંધ કરી દીધો છે અને ધરણાં સમાપ્ત કરી દીધાં છે. આ સ્થળે ધરણાં પૂર્ણ થતાંની સાથે જ દિલ્હી-નોઇડા રસ્તો ગત શનિવારની રાત્રે જ ખૂલી ગયો છે અને વાહનવ્યવહાર તથા અવરજવર રાબેતા મુજબ શરૂ થઈ ગયાં છે. નવા કૃષિબિલના વિરોધ માટે ખેડૂતસંગઠનોના આંદોલનના પગલે નોએડા-દિલ્હીનો આ લિંક-રોડ ગત પહેલી ડિસેમ્બરથી બંધ હતો.
ભારતીય કિસાન યુનિયન પણ આંદોલનથી વિમુખઃ ભારતીય કિસાન યુનિયન-ભાનુના રાષ્ટ્રીય અધ્યક્ષ ઠાકુર ભાનુપ્રતાપ સિંહે જણાવ્યું કે, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરવામાં આવી છે અને તેમણે આપેલી ખાતરીઓના પગલે ચિલ્લા બોર્ડર પર ચાલતા આંદોલનને સમેટી લેવાનો નિર્ણય લેવાયો છે. જોકે, એ વખતે ધરણા-સ્થળ ઉપર અખંડ રામાયણનો પાઠ ચાલતો હતો તેથી તે સ્થળને રવિવારે સમાપન થતાં સુધી ખેડૂતોએ ખાલી કર્યું નહોતું.
કેન્દ્ર સરકારને ટેકોઃ ભારતીય કિસાન યુનિયને નવા કૃષિ કાનૂનોના સમર્થનમાં કેન્દ્ર સરકારને ટેકો આપ્યો છે. આ સંઘના હરિયાણાના ખેડૂત નેતાઓએ તાજેતરમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની મુલાકાત લીધી હતી અને આ નવા બિલના ટેકામાં પોતાનો સૂર પુરાવ્યો હતો. આ યુનિયનના માનજૂથના નેતા ગુનીપ્રકાશ તથા અન્ય ખેડૂતોએ જણાવ્યું કે, આ આંદોલન વાસ્તવમાં ખેડૂતોનું આંદોલન નથી, એટલે અમે નવા કૃષિકાનૂનોને સમાપ્ત કરવાની સ્થિતિમાં વિરોધ-દેખાવો કરીશું.
આ ઉપરાંત, હરિયાણાના એક અન્ય ખેડૂત-સંઘે પણ કૃષિમંત્રીની તા. 7 ડિસેમ્બરના રોજ મુલાકાત લઈને નવા કૃષિકાનૂનો અંગે પોતાનો ટેકો જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે. આમ, ખેડૂત આંદોલન લગભગ પૂર્ણ થવાના આરે આવીને ઊભું છે, એમ કહી શકાય.
કેન્દ્ર સરકાર ખેડૂતો માટે તૈયારઃ ભારત સરકાર ઇચ્છે છે કે, દેશભરમાં બધા જ ખેડૂતો સધ્ધર થાય અને ખેડૂતની સ્થિતિ સુધરતી રહે. વડાપ્રધાને તાજેતરમાં જ જણાવ્યું છે કે, નવા કૃષિકાનૂનોથી ખેતી અને ખેડૂત બંનેની સ્થિતિ સુધરશે, ખેડૂતોની આવક વધશે, અને ખેડૂત પરિવાર સહિત બે પાંદડે થશે. હવે ખેડૂત પોતાની ઉપજને દુકાનો કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપરાંત તેની બહાર પણ વેચી શકશે અને ડિજિટલ મંચના માધ્યમથી પણ કૃષિ-ઉપજ વેચી શકશે.
Share your comments