એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે લોકોના રોજગાર પડી ભાંગ્યા છે વધતી મોંઘવારી ખેડૂતથી લઈને તમામ વેપારીઓની કમર ભાંગી નાખી છે ત્યારે બાગાયતી પાકના વાવેતર કરતા ખેડૂતોને વધુ એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની કલમમાં ગતવર્ષ કરતા ભાવમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં આવેલ તાઉટે વાવાઝોડાને કારણે કેરીનાં પાકમાં ખેડૂતોએ ઘણું જ નુકસાન ભોગવવુ પડ્યુ હતું ત્યાં વળી હવે એક તરફ કેસર કેરીની કલમોનાં ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે ખેડૂતો માંગ કરી રહ્યાં છે કે, બાગાયત વિભાગ ખેડૂતોની સબસીડીમાં વધારો કરવામાં આવે.
ખેડૂતોની ચિંતા વધી
તલાલા પંથકમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીના રોપાનો (કલમ) ઉછેર કરતી અનેક નર્સરીઓ આવેલી છે. જેમાં તાલાળા, સુરવા, હડમતિયા, મંડોરણા, અકોલવાડી સહિતના ગીર આસપાસના વિસ્તારોમાં 60થી પણ વધુ નર્સરીઓ આવેલી છે. જે તમામ નર્સરીઓમાં કેસરની કલમ બનાવી ખેડૂતોને વેચવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે આ ગીરની પ્રખ્યાત કેસરની રોપાના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગુજરાતના ખેડૂતો વધતી મોંઘવારીનો માર સહન કરી રહ્યા હતા અને તેવામાં કેસર કેરીના રોપના ભાવમાં વધારો થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વાવઝોડાએ હાલત ખરાબ કરી
હાલનાં દિવસોમાં કેસર આંબાનાં રોપ વાવવામાં આવે છે. સમગ્ર ગીર વિસ્તારની જમીન કેસર કેરીની અનુરૂપ છે. તો કેસરનાં વિકાસ માટે ગીરનું વાતાવરણ પણ સાનુકૂળ રહ્યું છે. આ વિસ્તારની કેસર કેરી દેશ વિદેશમાં વખણાય છે. ગીરનું અમૃત એટલે કેસર કેરી. ફળોનો રાજા એટલે ગીરની કેસર.સ્વાદ,સુગંધમાં ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક ફળ એટલે ગીરની કેસર. પરંતુ ચાલુ વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાએ ગીરનાં આંબાનાં બગીચાઓની દશા અને દિશા બંને બગાડી નાખી.
એક કલમે 100થી 150 રૂપિયા વધારો કરાયો છે
ખેડૂતના જણાવ્યા પ્રમાણે, હજારો આંબાનાં વૃક્ષો ધરાશયી થઈ ગયા. જે બચ્યા તેમાંથી કેસર કેરી ખરી ગઈ. ખેડૂતોના આંબા વાડિયાઓમાં ઠેક ઠેકાણે ખાંચા પડી ગયા તો કેટલાક બગીચાઓ તો સાવ ઉજ્જડ બની ગયા. પડેલા આંબાનાં વૃક્ષોને ખેતર માંથી કાઢવાના પૈસા પણ ખેડૂતોએ ચૂકવવા પડયા. અને ખેતરો ખાલી કરી હવે ખાલી જગ્યામાં ફરી કેસરનાં આંબા રોપવાની કામગીરી શરૂ થઈ છે. કેસર આંબાની કલમ મોંઘી થતા ખેડૂતોને પડ્યાં ઉપર પાટું જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મોંઘવારીનો માર સહન કરતા ખેડૂતને કેસરની એક કલમે 100થી 150 રૂપિયા વધુ ચૂકવવા પડે છે.
આ વર્ષે 8થી 10 લાખ કલમનું વેચાણ થવાની શકયતા
તાઉટે વાવાઝોડાને કારણે ગીર સોમનાથનાં કોડીનાર, ઉના,ગિરગઢડા જેવા તાલુકાનાં વિસ્તારોમાં ઘણા જ આંબાવાડિયાઓને નુકશાન થયું છે. તો અમરેલી, જાફરાબાદ, ધારી સહિતનાં વિસ્તારોમાં પણ આંબાનાં બગીચાઓ સાફ થઈ ગયા છે. આથી કેસરની કલમની માંગ વધી છે. જ્યારે ઉત્પાદન ઘટ્યું છે. આથી કેસરની કલમ મોંઘી બની છે. ગીર વિસ્તારમાં દર વર્ષ સરેરાશ 5 લાખ કલમ ઉત્પાદિત થાય છે. જ્યારે આ વખત માંગ વધુ છે. આથી ગત વર્ષ સુધી કેસરની જે કલમ 250 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધી મળતી હતી તે કલમ હાલ 350થી લઈને 700 રૂપિયા સુધી મળે છે. વાવાઝોડાને કારણે કેસરનાં બગીચાઓમાં મોટું નુકસાન થયું હોય આ વર્ષ 8થી 10 લાખ કલમનું વેચાણ થવાની શકયતા જોવાઈ રહી છે.
રોપ ઉછેરવા ખુબ મહેનત કરવી પડે છે
કેસરની એક કલમનો રોપ ઉછેરવા માટે સખત મહેનત પડતી હોય સામે માંગ વધવાને કારણે ઉત્પાદકોને ખર્ચ પણ વધુ આવે છે. કેસરની કલમના વાવેતર માટે ચોમાસુ ઉત્તમ મનાય છે. એક વરસાદ થઈ ગયા બાદ જમીનમાં ભેજ હોય ત્યારે વાવેતર કરી દેવામાં આવે છે. જેથી વધુ વરસાદ બાદ કેસરની કલમની વૃદ્ધિ ઝડપથી થાય છે. સારી માવજત રાખવામાં આવે તો 5 વર્ષમાં આ કલમ પુખ્ત થઈને ફળ આપવા લાગે છે. આંબાનાં વધી રહેલા વાવેતરની કારણે કેસર કેરીનું ઉત્પાદન તો વધે જ છે.
Share your comments