પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે “પરંપરાગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી (TKDL)ના ડેટાબેઝનો ઍક્સેસ પેટન્ટ ઓફિસો ઉપરાંત, વપરાશકર્તા સુધી વિસ્તૃત કરવાની” મંજૂરી આપી છે. વપરાશકર્તાઓ માટે TKDL ડેટાબેઝ ખોલવામનો નિર્ણય એ ભારત સરકાર દ્વારા એક મહત્વાકાંક્ષી અને દૂરંદેશીપૂર્ણ કાર્યવાહી છે.
ભારતીય પરંપરાગત જ્ઞાન માટે આ એક નવા અરૂણોદય સમાન રહેશે, કારણ કે TKDL વિવિધ ક્ષેત્રોમાં ભારતના મૂલ્યવાન વારસા પર આધારિત સંશોધન અને વિકાસ તેમજ આવિષ્કારોને આગળ ધપાવશે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત, ભારતીય જ્ઞાન પરંપરા દ્વારા TKDL ખોલવા માટેની પરિકલ્પના કરવામાં આવી છે જેથી વિચાર અને જ્ઞાનના નેતૃત્વને પ્રેરણા આપી શકાય.
ભારતીય પરંપરાગત જ્ઞાન (TK) રાષ્ટ્રીય અને વૈશ્વિક જરૂરિયાતો પૂરી કરવાની અપાર સંભાવનાઓ પૂરી પાડે છે, જેનાથી સામાજિક લાભો તેમજ આર્થિક વૃદ્ધિ પણ થઇ શકે તેમ છે. ઉદાહરણ તરીકે જોઇએ તો, આપણા દેશની પરંપરાગત દવાઓ અને સુખાકારીની પ્રણાલીઓ, એટલે કે આયુર્વેદ તેનું દૃષ્ટાંત પૂરું પાડે છે. સિદ્ધ, યુનાની, સોવા રિગ્પા અને યોગ આજે પણ ભારત અને વિદેશના લોકોની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. તાજેતરમાં આવેલી કોવિડ-19 મહામારી દરમિયાન ભારતીય પરંપરાગત દવાઓનો પણ વ્યાપક ઉપયોગ થતો જોવા મળ્યો છે. તેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઇને લક્ષણોમાં રાહતથી લઇને એન્ટિ-વાયરલ પ્રવૃત્તિ સુધીના અનેક પ્રકારના ફાયદા થાય છે. આ વર્ષની શરૂઆતમાં એપ્રિલ મહિનામાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ભારતમાં તેનું પ્રથમ વિદેશી ભૂમિ પર ‘પરંપરાગત દવાઓ માટે વૈશ્વિક કેન્દ્ર (GCTM)’ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ બાબત વિશ્વની વર્તમાન અને ઉભરતી જરૂરિયાતોને પહોંચી વળવામાં પરંપરાગત જ્ઞાનની સતત સુસંગતતા દર્શાવે છે.
ડેટાબેઝનો ઍક્સેસ વિસ્તૃત કરીને પેટન્ટ ઓફિસ ઉપરાંત વપરાશકર્તાઓને આપવા માટે મંત્રીમંડળ દ્વારા આપવામાં આવેલી મંજૂરી, આવિષ્કાર અને વેપારમાં વૃદ્ધિ કરવા માટે વર્તમાન પદ્ધતિઓની સાથે સાથે પરંપરાગત જ્ઞાનને એકીકૃત કરવા અને તેની સહ-પસંદગી કરવા પર વિશેષ ભાર મૂકે છે. TKDL, જ્ઞાન અને ટેકનિકલ સીમાઓનું વિસ્તરણ કરવા માટે TK માહિતીના મહત્વપૂર્ણ સ્રોત તરીકે કામ કરશે. TKDLની વર્તમાન સામગ્રીઓ ભારતીય પરંપરાગત દવાઓને વ્યાપકપણે અપનાવવાની સુવિધા પૂરી પાડવાની સાથે સાથે નવા ઉત્પાદકો અને સંશોધકોને આપણા મૂલ્યવાન જ્ઞાન વારસા પર આધારિત સાહસોનું નિર્માણ કરવા માટે પણ પ્રોત્સાહન આપશે.
TKDL એક વિશાળ વપરાશકર્તા આધારને સેવા પૂરી કરી શકે છે જેમાં વ્યવસાયો/કંપનીઓ {હર્બલ હેલ્થકેર (આયુષ, ફાર્માસ્યુટિકલ્સ, ફાયટોફાર્માસ્યુટિકલ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ), વ્યક્તિગત સંભાળ, અને અન્ય FMCG}, સંશોધન સંસ્થાઓ; જાહેર અને ખાનગી સંસ્થાઓ; શૈક્ષણિક સંસ્થાઓ: શિક્ષકો અને વિદ્યાર્થીઓ; અને અન્ય લોકો જેમ કે: ISM પ્રેક્ટિશનરો, જ્ઞાન ધારકો, પેટન્ટ લેનારાઓ અને તેમના કાનૂની પ્રતિનિધિઓ અને સરકાર, તેમજ અન્ય ઘણા લોકોને આવરી લેવામાં આવે છે. TKDL ડેટાબેઝનો ઍક્સેસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વપરાશકર્તાઓ માટે તબક્કાવાર ખુલ્લો મૂકવામાં આવશે જેને પેઇડ સબસ્ક્રિપ્શન મોડલ દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
ભવિષ્યમાં, ભારતીય પરંપરાગત જ્ઞાન વિશે અન્ય ક્ષેત્રોમાંથી વધુ માહિતી મેળવીને “3P એટલે કે જાળવણી (પ્રિઝર્વેશન), સંરક્ષણ (પ્રોટેક્શન) અને પ્રોત્સાહન (પ્રમોશન)”ના પરિપ્રેક્ષ્યમાં TKDL ડેટાબેઝમાં ઉમેરવામાં આવશે. ભારતીય પરંપરાગત જ્ઞાન પર ખોટી પેટન્ટ આપવાનું રોકવાના તેના પ્રાથમિક આદેશને પૂર્ણ કરવાની સાથે સાથે, TKDL ડેટાબેઝ સર્જનાત્મક લોકોને તંદુરસ્ત અને ટેકનોલોજીથી સંપન્ન વસ્તી માટે વધુ સારા, સલામત અને વધુ અસરકારક ઉકેલો માટે આવિષ્કારો કરવા માટે પણ ભાર મૂકશે. ભારતનો સમૃદ્ધ વારસો નવા સામાજિક-આર્થિક વિકાસ માટે મજબૂત પાયાની રચના કરશે.
TKDL વિશે: પરંપરાગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી (TKDL) એ વર્ષ 2001માં સ્થાપવામાં આવેલો ભારતીય પરંપરાગત જ્ઞાનનો પ્રાયોર આર્ટ (અગાઉથી જાણમાં હોય તેવો) ડેટાબેઝ છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન સિસ્ટમ્સ ઓફ મેડિસિન એન્ડ હોમિયોપેથી (ISM&H, હવે આયુષ મંત્રાલય) દ્વારા સંયુક્ત રીતે તેની સ્થાપના કરવામાં આવી છે. TKDL વૈશ્વિક સ્તરે આ પ્રકારનો પોતાની રીતે પ્રથમ ડેટાબેઝ છે અને તે અન્ય રાષ્ટ્રો માટે અનુકરણીય મોડેલ તરીકે સેવા આપી રહ્યો છે. TKDL હાલમાં આયુર્વેદ, યુનાની, સિદ્ધ, સોવા રિગ્પા અને યોગ જેવા ISM સંબંધિત હાલમાં અસ્તિત્વમાં હોય તેવા સાહિત્યોમાંથી માહિતી સમાવી લેવામાં આવી છે. આ માહિતીનું અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, જાપાનીઝ અને સ્પેનિશ એવી પાંચ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં ડિજિટાઇઝ્ડ ફોર્મેટમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. TKDL આખી દુનિયામાં પેટન્ટ ઓફિસોમાં પેટન્ટ પરીક્ષકો સમજી શકે તેવી ભાષાઓ અને ફોર્મેટમાં માહિતી પૂરી પાડે છે, જેથી પેટન્ટ ખોટી રીતે આપવાનું ટાળી શકાય. અત્યાર સુધીમાં, સંપૂર્ણ TKDL ડેટાબેઝનો ઍક્સેસ સમગ્ર દુનિયામાં શોધ અને પરીક્ષાના હેતુઓ માટે 14 પેટન્ટ ઓફિસો સુધી સિમિત રાખવામાં આવ્યો છે. ભારતીય પરંપરાગત જ્ઞાનના દૂરુપયોગને ટાળવા માટે TKDL પૂરતા પ્રમાણમાં અસરકારક છે અને તેને વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે ગણવામાં આવે છે.
આ પણ વાંચો:EVની ખરીદી પર ક્યાં કેટલી મળી રહી છે સબસિડી, રોડ ટેક્સ રજિસ્ટ્રેશનમાં શું છે છૂટ
Share your comments