ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના આનંદીબેન પટેલના ખૂબ જ નજીક મનાતા એવા ભુપેન્દ્રભાઇ પટેલની રાતોરાત નિમણૂંક કરાતા આ ઘટના રાજકીય પ્લેટફોર્મ પર ખૂબ જ ચર્ચાસ્પદ બની છે. ભાજપના આ નિર્ણયની સામે વિરોધી પાર્ટીઓ દ્વારા પણ જાત જાતની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.
અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારોને માહિતી આપતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, “ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં એક મોહરાના રીતે ચીફ મિનિસ્ટર બનાવામાં આવે એ ગુજરાત રાજ્યની જનતા માટે બહુજ હાસ્યપ્રદ અને અપમાન જનક બનાવ છે ! આમ આદમી પાર્ટી તો કામ કરવા માટે જ આવી છે, બધાને ખબર છે કે હવે ભુપેન્દ્રભાઈ પટેલ ફક્ત નામના સી.એમ. હશે અને અમિતભાઇ શાહ અને સી.આર.પાટીલ જ પડદા પાછળથી પાર્ટી ચલાવશે! નીતિનભાઈનું પત્તુ કાપ્યું છે - એટલે કે રબ્બર સ્ટેમ્પ છે, સુપર સી.એમ. તો અમિતભાઇ શાહ જ છે ગુજરાતના. અમને એવો પણ પ્રશ્ન છે કે આટલા સિનિયર કદના નેતા નીતિનભાઈ, કે જેને રાજ્ય માટે આટલું અનુભવ છે એમને ચીફ મિનિસ્ટર કેમ ના બનાવ્યા? ભાજપે કુશળ વહીવટી કરતા હતા એમની જગ્યાએ બિનઅનુભવીને મુકાયા છે, એટલે ગુજરાતની જનતાને બહુ ભોગવવાનું રહ્યું પણ અમે આશા રાખીયે છીએ કે ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત માટે કંઈક સારું કરે!
ભાજપ જ્ઞાતિ, જાતિ, રાજનીતિ, ધરમવાદને લઇને વર્ષોથી રાજનીતિ કરી રહી છે. આજે તમે ખેડૂતોને પૂછો એમને ભાવ નથી મળી રહ્યા. આજે વાલીઓને ફી લાખો રૂપિયાની ભરવી પડે છે, તો શું એ બધા સમાજના નથી ? ગુજરાતના એક એક નાગરિકને ખબર છે અમિતભાઇ શાહ સુપર સી.એમ. છે. દિલ્હીથી રિમોટ કંટ્રોલથી સરકાર ચાલશે. ભુપેન્દ્રભાઈ તો મોહરું છે ખાલી ! ખરેખરમાં ગુજરાતમાં ભાજપ સરકાર નિષ્ફળ છે. વિજય રૂપાણીના પાંચ વર્ષ પુરા થતા એને ઉજવણી માટે કરોડો રૂપિયા ઉડાવ્યા એટલે ગેસ ના ભાવમાં ૨૫ રૂપિયા વધાર્યા અને પેટ્રોલ પણ મોંઘુ કર્યું ! હવે પરિસ્થિતિ વધારે ખરાબ થશે કારણકે ભુપેન્દ્રભાઈને કઈ પૂછવું હશે અને નિર્ણય લેવું હશે તો પેહલા એને દિલ્હી ફોન કરવો પડશે ! એ ડાયરેક્ટ નિર્ણય નહીં લઇ શકે !
Share your comments