આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં ગુજરાતમાં અઢીસો કરોડ કરતાં વધારે રકમની લોન નાના પાયે વ્યવસાય કરનારા વર્ગને આપવામાં આવી હોવાનું સહકારી બેંકોના સૂત્રોએ જણાવ્યું હતુ. યોજનાની જાહેરાતને બે મહિના થવા આવ્યા છે ત્યારે નોંધપાત્ર રકમની લોન નાના વ્યવસાયિકો લઇ ચૂક્યા છે.'
કોરોના અને લોકડાઉનને લીધે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, પેઇન્ટર, ગેરેજ ધારક, મિકેનિક, કરિયાણાની દુકાનવાળા, લારીવાળા વગેરે જેવા નાના ધંધાદારીઓ આર્થિક મુશ્કેલીમાં આવી ગયા હતા. પછી નાણાકિય રાહત મળે તે માટે ગુજરાતમાં આત્મનિર્ભર સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. યોજના હેઠળ એક લાખ રુપિયા સુધીની મર્યાદામાં લોન આપવામાં આવે છે. સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓને આ લોન વહેંચવાની જવાબદારી સોંપવામાં આવી હતી.'
ગુજરાત અર્બન કો ઓપરેટિવ બેંકસ ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતા કહે છે,ગુજરાત રાજ્યમાં કુલ 26,886 અરજીઓ (સોમવારે સાંજ સુધીમાં) મંજૂર કરવામાં આવી છે. આ અરજીઓ હેઠળ રૂા. 257.34 કરોડની લોન સેંક્શન થઇ છે. લોન આપવાનું કામકાજ હવે સરળતાથી ચાલી રહ્યું છે. નાના વેપારીઓ રસ પણ લઇ રહ્યા છે. મોટાંભાગના લોકોએ પચ્ચાસ હજારથી એક લાખ રુપિયા સુધીની રકમ લોન તરીકે લીધી છે.'
રૂ. 257.34 કરોડ કરતાં વધુની લોનને મંજૂરી, સુરત પ્રથમ ક્રમે' જાણવા મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં આ પ્રકારે લોન આપવામાં સૌપ્રથમ ક્રમે સુરત આવે છે. એ પછી અમદાવાદ બીજા ક્રમે છે અને રાજકોટનો ક્રમ ત્રીજો છે. મહેસાણા ચોથા સ્થાને છે.'
રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે, જિલ્લામાં કુલ 3661 લોકોની અરજી રૂા. 36.28 કરોડની લોન મંજૂર થઇ હતી. એમાંથી રૂા. 27.72 કરોડ 2796 લોકોને ચૂકવી દેવામાં આવ્યા છે.'
રાજકોટ જિલ્લામાં લોન આપવામાં રાજકોટ નાગરિક સહકારી બેંક ટોચ ઉપર છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ ક્રેડિટ કો ઓપરેટિવ બેંક બીજા અને ગોંડલ નાગરિક સહકારી બેંક ત્રીજા સ્થાને આવે છે. ચોથો ક્રમ રાજ બેંકનો છે. સહકારી સોસાયટીઓમાં શિવશક્તિ સહકારી ક્રેડિટ સોસાયટી પ્રથમ છે.
Share your comments