કોરોનાકાળમાં સૌથી વધુ અસર રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં થઈ હતી. છેલ્લા બે વર્ષથી જમીનની લેવડ-દેવડ મોટા ભાગે બંધ થઈ ગઈ હતી. પરંતુ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ક્યારે અન્ય કામ તરફ વળ્યા જ નહી. તેઓ નવરાશના સમયમાં પણ આંટાફેરા જ માર્યા કરતા હતા. આવા લોકોને જ્યારે કોઈ સલાહ આપવામાં આવે કે જો તમારો ધંધો હાલ ચાલુ ન થાય એમ હોય તો બીજુ કામ કરવું જોઈએ તો એમને ખોટું લાગી જાય છે. મહત્વનું છે કે, આજીવિકા માટે લોકોએ કંઈકને કંઈક કામ કરતા રહેવું જોઈએ. એક આવકનો એક રસ્તો બંધ થાય તો બીજા કામમાં હાથ અજમાવવો જોઈએ.
ક્યારેક કેટલાક કિસ્સાઓમાં તમારો સમય નબળો ચાલી રહ્યો હોય તો ગમે તેવા વેપાર પણ નુકસાનીમાં આવી જાય છે. ઉદાહરણ તરીકે કોઈ એક સમયે તમારો હીરાનો વેપાર સારો ચાલતો હોય તો તમે સારૂ કમાતા હોય છો. પરંતુ સમય એવો પણ આવે કે વેપાર ધંધો સારો ન ચાલે અને ત્યારે તમે દેણામાં સપડાઈ જાઓ છો તો આજીવિકા માટે હીરા ઘસવા પણ પડે છે. આ બધુ સમય ચક્ર છે. તમારે પોતાના ગાડુ ચલાવવા માટે સતત કર્મશીલ રહેવું જોઈએ. અહમના કારણે કામને નાનું સમજીને બેસી ન રહેવુ જોઈએ.
મહાભારતમાંથી પણ આ મુદ્દે શિખવા જેવું છે. ગાંડિવધારી અર્જૂન કે જેમના ધનુષ્ય સામે દેવતાઓ પણ નમ મસ્તક થઈ જતા હતા. એ અર્જૂનને જ્યારે સમય આવ્યો ત્યારે એક વર્ષ માટે નપૂષંક થઈ, મહિલાઓના વસ્ત્રો પહેરીને રહેવું પડ્યું હતું. ત્યારે અર્જૂને કોઈ શરમ અનુભવી હતી. ભીમને પણ એક વર્ષ રસોઈયો થઈને રહેવું પડ્યું હતું. પાંડવો જેવા પાંચ સમર્થવાન પતિ હોવા જતાં દ્રોપદીને દાસી બનીને રહેવું પડ્યું હતું. આવા પ્રતાપી લોકોએ પણ ક્યારે પોતાના કામથી નીચું જોવાપણું અનુભવ્યું ન હતું. આપણે તો ક્યારેક નાનું કામ કરવું પડે તો નીચાજોવાપણુ અનુભવિએ છીએ. કેટલાક તો આવા કિસ્સાઓમાં આપઘાત કરી લેતા હોય છે. ક્યારેય આવું કોઈ પગલું ભરવું જોઈએ નહી.
જીવનમાં ભગવાન કૃષ્ણ જેવું આચરણ રાખવું જોઈએ. જ્યારે જેવી જરૂરિયાત હોય તેવું વર્તન કરવું જોઈએ. કૃષ્ણ ભગવાન ક્ષત્રિય હોવા છતાં પણ યાદવો ભેળા રહીને ગાયો ચરાવી હતી. તમે તમારી જાતને જેટલી ઉપર લઈ જશો તેટલા જ જીવનમાં વધારે દુઃખી થશો. કેટલાક લોકો આવી રીતે ખોટા ખોટા હેરાન થતા રહે છે. નાનપ અનુભવવામાં ક્યારેક વ્યક્તિ પોતાના પરિવારને જ દુઃખી કરતા હોય છે. પરંતુ જ્યારે માણસ આવી નાનપ અનુભવવાનું છોડી દેશે તો જીવનમાં સુખી થઈ આગળ વધવું જોઈએ. જે સમયે જે કામ મળે તે કરવું જોઈએ. કોઈ આબરૂના કાંકરા થશે એવું વિચારીને ક્યારેય અટકવું ન જોઈએ.
ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં અહમ રાખીને બેસી ન રહેવું જોઈએ. સમય પ્રમાણે વર્તન કરવું જોઈએ. ક્યારેય ઈગો રાખવો જોઈએ નહીં. પરિવારના સુખ માટે ક્યારેક ઝુકવું પડે તો ઝુકી લેવામાં કોઈ વાંધો નથી. મોટી પોસ્ટમાંથી નાની પોસ્ટ પર કામ કરવાનું થાય તો કોઈ નાનપ ન અનુભવવી જોઈએ. પરિવારના એકતા માટે હું એવો અહમ ન રાખવો જોઈએ.
Share your comments