પશુઓમાં પણ વધતી જતી ટીબીની બીમારી માણસો માટે જોખમી બનતી જાય છે એવું એક સંશોધનમાં જાણવા મળ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પશુઓ દ્વારા ફેલાતો ટીબીનો રોગ માણસો દ્વારા થતા સંક્રમણ કરતા પણ વધારે છે. કોરોના ૧૯ની જેમ તપેદિક કે ક્ષય રોગ તરીકે ઓળખાતો ટીબી રોગ પણ એક સંક્રમક બીમારી છે જેના પરથી લોકોનું હવે ધ્યાન હટી ગયું છે. આ માઇક્રોબેકટેરિયન ટયૂબરકલોસિસ નામના બેકટેરિયાથી થાય છે.જેનું સૌથી વધારે સંક્રમણ ફેફસામાં થતું હોવાથી નિદાન અને સારવાર ના થાયતો જોખમી બને છે.
ભારતની વાત કરીએ તો કુલ ૩૦ કરોડ પશુઓમાંથી ૨૦૧૭ની ગણતરી મુજબ ૨.૨ કરોડ ટીબીવાળા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે માઇક્રોબેકટીરિયમ બોવિસના કારણે જાનવરોમાં થતી ટીબી માણસોમાં પણ ફેલાઇ શકે છે જેને જુનોટિક ટીબી કહેવામાં આવે છે. ભારતમાં એમ બોવિસ ઉપરાંત ટીબીના અન્ય બેકટેરિયા પણ પશુઓમાં હોઇ શકે છે આથી જુનેટિક ટીબીને વ્યાપક અર્થમાં સમજવાની જરુર છે. માઇક્રો બેકટેરિયમ ટયૂબર કલોસિસ કોમ્પલેક્ષના બીજા બેકટેરિયાને પણ તેમાં જોડવાની જરુર છે જે પશુઓમાંથી માણસમાં ટીબી ફેલાવી શકે છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે ૧ કરોડ લોકોને ટીબીનું સંક્રમણ અને ૧૫ લાખ લોકોના મોત થાય છે. આ અંગેનું શોધ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલ લાંસેટમાં પ્રકાશિત થયું છે.
ગ્લોબલ ટયૂબર કલોસિસના ૨૦૧૯ના અહેવાલ અનુસાર વિશ્વમાં સૌથી વધુ ૨૭ લાખ લોકોને ટીબીનું સંક્રમણ ભારતમાં હતું જેમાંથી ૪ લાખ લોકોના મોત થયા હતા. ભારત પછી ચીન, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, નાઇજીરિયા અને બાંગ્લાદેશમાં ટીબીના વધુ દર્દીઓ જોવા મળે છે. ૨૦૩૫ સુધી ટીબીના કેસમાં ૯૦ ટકા જેટલો ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એમાં દક્ષિણ એશિયામાં માઇક્રોબેકટેરિયમ ટયૂબર કોલોસિસનું મળવું ચિંતાજનક છે. ભારતમા ટીબીને ખતમ કરવા પશુ ચિકિત્સા પર પણ ધ્યાન આપવાની જરુરીયાત છે.
Share your comments