આધુનિક દોડધામ વાળી જીવનશૈલીને કારણે મોટાભાગની મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. જો વાળ થોડાઘણાં ખરે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ વાળ વધુ ખરવા લાગે અથવા અકાળે વાળ સફેદ થવા લાગે તો સ્ત્રીઓ સૌથી વધુ ચિંતિત થઈ જાય છે. એમાંય વરસાદ અને વરસાદ પછીના ભેજવાળા વાતાવરણને કારણે વાળની સમસ્યાઓ વધી જાય છે. સાથે જ ચોમાસા અને શિયાળામાં ડેંડ્રફ, શુષ્ક વાળ થવાની સમસ્યા વધુ જોવા મળે છે અને આજકાલની ઝડપી લાઈફમાં વાળની યોગ્ય કાળજી લેવાનો સમય પણ રહેતો નથી.
વાળ ખરવા પાછળ જવાબદાર કારણો
- ટાઇફોઇડ કે મરડા જેવી વ્યાધિ લાંબો સમય ચાલી હોય તો વ્યાધિ મટી ગયા પછી પણ વાળ ખૂબ ઊતરે છે.
- આંતરડાંના રોગો જો જીર્ણસ્વરૂપ પકડે અથવા ત્વચાના કેટલાક રોગોને લીધે પણ વાળ ખરે છે.
- પ્રસૂતિ પછી લાંબા વખત સુધી બાળકને સ્તનપાન કરાવવાથી પણ વાળ ઊતરે છે.
- પોષણનો અભાવ, વિટામિનનો ખામી તેમજ વારંવારની ટૂંકા ગાળાની પ્રસૂતિથી પણ વાળ ખરે છે.
- વધારે પડતા ખારા, ખાટા, તીખા, ઉષ્ણ, તીક્ષ્ણ ગુણોવાળાં આહારદ્રવ્યોનો સતત કે વધારે ઉપયોગ પણ વાળ ખરવાનું પ્રધાન કારણ ગણાવાય છે.
- વિરુદ્ધ આહારવિહારથી પણ વાળ ખરે છે.
- કોસ્ટિક સોડાવાળા સાબુના સતત નિયમિત ઉપયોગથી વાળ ખરે છે.
- વિભિન્ન પ્રકારનાં રસાયણોયુક્ત સુગંધિત તેલથી પણ વાળનું સ્વાસ્થ્ય જોખમાય છે.
- મનોવ્યાધિ, ચિંતા, શોક, ભય, ગુસ્સો, અનિદ્રા પણ વાળ ખરવા માટે જવાબદાર ગણાય છે.
- સ્ત્રીઓમાં માસિકસ્રાવની અનિયમિતતા, અલ્પ માસિક, અતિ માસિક, શ્વેત સ્રાવ, ગર્ભાશયના મોઢા પર ચાંદું, જાતીય રોગો વગેરેથી પણ વાળ ખરે છે.
- વારસાગત કારણોમાં માતૃ પક્ષ કે પિતૃ પક્ષની જીર્ણ વ્યાધિઓ જો વારસામાં ઊતરે તોપણ વાળ વધારે ખરે છે.
ખરતા વાળને અટકાવવાના ઉપાયો
- આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.
- કોસ્ટિક સોડા જેવાં જલદ દ્રવ્યો વપરાતાં હોય, એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.
- અરીઠાં, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.
- દર અઠવાડિ યે સ્વા દિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો.
- બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવાં દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું.
- તેલ નાખ્યા પછી સવારે તડકામાં અડધો કલાક બેસવું.
- ચ્યવનપ્રાશ બે-બે ચમચી દૂધ સાથે સવારે અને રાત્રે લો.
- આરોગ્યર્વિધની બે-બે ગોળી સવારે અને રાત્રે લેવી.
- લોહાસવને જમ્યા પહેલાં ચારપાંચ ચમચી બપોરે અને રાત્રેતેમાં એટલું જ પાણી ઉમેરીને પીઓ.
Share your comments