મુખ્યમંત્રીના હસ્તે વનબંધુઓને ઉત્તમ બિયારણ-ખાતર મળી રહે તેવા હેતુથી કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકારની કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ઉત્તમ ઊંચી ગુણવત્તા વાળા બિયારણ અને ખાતરથી દાહોદ, છોટાઉદેપુર, સુરત અને વલસાડ જિલ્લાના 77,000થી વધુ વનબંધુ ખેડૂતોને લાભ મળશે. જેથી તેમના કૃષિ ઉત્પાદનમાં વધારો થશે અને તેમની આવક બમણી થશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ યોજનાના ઈ-લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર ખાતેથી જણાવ્યું હતું.
આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વનબંધુઓને ઉત્તમ ગુણવત્તા વાળા બિયારણ અને ખાતર મળી રહે તેવા હેતુથી કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2020-21નો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, કૃષિ વૈવિધ્યકરણ યોજનાને વનબંધુ કલ્યાણ યોજના સાથે જોડીને આદિવાસી વનબંધુ ખેડૂતોને GSFC દ્વારા યુરિયા સલ્ફેટ અને બિયારણ આપવામાં આવે છે. તેનાથી બાગાયત પાકોનું ઉત્પાદન વધશે અને આવક પણ વધશે. જેના પરિણામે વડાપ્રધાનના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરી શકાશે. કોરોનાના કારણે આપણે હવે ફિઝિકલી નહીં પણ ડિજિટલી કાર્યક્રમ કરીને વિકાસ કામોના લોકાર્પણ કરી રહ્યા છીએ. કોરોના વચ્ચે રહીને પણ આપણે ગુજરાતને જીતાડવાનું છે અને કોરોનાનાને હરાવીશું ગુજરાતે હંમેશા આપત્તિને અવસરમાં બદલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાએ આ યોજનાનો અમલ આદિજાતિ વિકાસના નિયંત્રણ હેઠળની સ્વાયત એજન્સી ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ) દ્વારા કરવામાં આવે છે જ્યારે ક્ષેત્રિય સ્તરે પ્રાયોજના વહીવટદારશ્રીઓ મારફત યોજનાનો અમલ કરાવવામાં આવે છે.
Share your comments