છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટ શાકભાજી યાર્ડમાં શાકભાજીની આવકમાં અડધો અડધ ઘટાડો થયો છે. આવક ઘટતા ભાવો પણ સરેરાશ ઉંચકાયા છે.
હવામાન વિભાગ દ્વારા 27મીથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા દર્શાવાઈ છે. જે મુજબ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેની અસર શાકભાજી પર પડી છે. વરસાદને કારણે માલ બગડી જતા હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં 50 થી 60%નો ઘટાડો જોવા મળીરહ્યો છે. આવક ઓછી થતા તમામ શાકભાજીના ભાવો દોઢથી બે ગણા વધ્યા છે. સૌથી વધુ ફલાવર, તુરીયા, રીંગણા, લીંબુ, કોથમીરના ભાવો વધ્યા છે.
ઓપન બજારમાં પ્રતિકિલો રીંગણાનારૂ.40 થી 50, તુરીયા રૂ.50, ભીંડો રૂ.30 થી 40, ટમેટાના રૂ.40 થી 50, લીંબુના રૂ.34 થી 40, કોથમીર રૂ.50 થી 60, મરચા રૂ.15 થી 20, દુધી રૂ.12 થી 15ના ભાવે શાકભાજી વેચાઈ રહ્યું છે. જોકે બટેટા અને ડુંગળીના ભાવોમાં ખાસ કોઈ અસર જોવા મળી નથી. મળતી માહિતી મુજબ વરસાદી ઋતુને કારણે હજુ એકાદ મહિનો આવક ઓછી રહેશે.
જેથી ભાવો પણ ઉંચા રહેશે. અમુક શાકભાજીને બાદ કરતા મોટાભાગનું શાકભાજી લોકલ આવી રહ્યું છે. હાલ ભીંડો ગુજરાતમાંથી તો રીંગણા, વટાણા, પરવડ, મરચા સુરત બાજુથી આવે છે. માર્કેટમાં લોકલ નવું શાકભાજી આવતા હજુ થોડા દિવસો લાગશે. ભાવો વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
Share your comments