ખરીફ સીઝન 2021-22 માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી શરૂ કરવામાં આવી ગઈ છે. આ માટેની નોંધણી પ્રક્રિયા આવતીકાલ તા. 1 ઓકટોબર 2021 થી શરૂ કરવામાં આવી ગઈ છે.
ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત મગફળીની ખરીદી માટે તા. 1 થી 31 ઓક્ટોબર સુધી અને ડાંગર, મકાઇ અને બાજરી માટે તા.1 થી 16 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકાશે.
નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7-12, 8-અની નકલ, ગામ નમૂના-12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગતમાં બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો પૂરવઠા નિગમના હેલ્પલાઇન નંબર 851171718 અથવા 8511171719 ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના મેનેજરની યાદીમાં જણાવ્યુ છે.
Share your comments