દેશમાં નવા ખરીફ પાકોની આવકો શરૂ થાય ત્યાર પહેલા કેટલાક કઠોળ અને અનાજનાં ભાવમાં ઘટાડો થયો છે અને તેનાં મુખ્ય ઉત્પાદક સેન્ટરોમાં ભાવ ટેકાનાં ભાવથી પણ નીચે ઉતરી ગયાં છે. ખાસ કરીને બાજરીનાં ભાવ ટેકાનાં ભાવથી 30 ટકા જેટલા નીચે ચાલી રહ્યાં છે.
રાજસ્થાનમાં બાજરીનાં ભાવ ટેકાનાં ભાવથી સપ્ટેમ્બરનાં પહેલા પખવાડિયામાં સરેરાશ 32 ટકા નીચે ચાલી રહ્યાં છે. બાજરીનાં ટેકાનાં ભાવ સરકારે આ વર્ષે રૂ.2250 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે, જેની તુલનાએ નીચા ચાલી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં જુવારનાં ભાવ ટેકાનાં ભાવથી 16.1 ટકા નીચે ચાલી રહ્યા છે. રાજસ્થાનમાં મગનાં ભાવ મંડીઓમાં સરેરાશ ટેકાનાં ભાવથી 14.50 ટકા નીચા ચાલે છે. મગનાં ટેકાનાં ભાવ સરકારે પ્રતિ ક્વિન્ટલનાં રૂ.7275 જાહેર કર્યાં છે. મધ્યપ્રદેશમાં અડદનાં ભાવ ટેકાનાં ભાવથી સપ્ટેમ્બરમાં સાત ટકા જેવા નીચા રહ્યાં છે. ઓગસ્ટમાં આ ભાવ 11 ટકા જેટલા નીચા બોલાયાં હતાં.
કેન્દ્ર સરકાર દ્વારા બાજરી- જુવાર, રાગી કે અડદ-મગની ટેકાના ભાવથી પૂરતી ખરીદી કરવામાં આવતી નથી અને બીજી તરફ સરકારે કઠોળની આયાત ઉપરનાં કેટલાક નિયંત્રણો પણ હળવા કર્યાં છે. ખરીફ સિઝન નજીક હોવાથી કેટલાક ખરીફ પાકોની આવકો પણ હવે શરૂ થશે, એ પહેલા બજારો ઘટવા લાગ્યાં છે.
Share your comments