ભારતીય ઘઉંની બીજા દેશમાં થઈને પાકિસ્તાનમાં નિકાસ કરતા સીધો ફાયદો ભારતીય કિસાનોને થયો છે.
વૈશ્વિક ઘઉં બજારમાં ભાવ મજબૂત સપાટી પર અથડાય રહ્યાં છે, પંરતુ બીજી તરફ પાકિસ્તાને તાજેતરમાં કુલ ૪.૦૫ લાખ ટન ઘઉંની આયાત માટે વેપારો કર્યાં છે અને આગામી દિવસોમાં હજી બીજા ઘઉંની પણ આયાત કરે તેવી સંભાવના છે.
પાકિસ્તાનની સરકારી એજન્સી ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાને કારગીલ હાઉશ પાસેથી ૨.૪૦ લાખ ટન અને સીએચએસ પાસેથી ૧.૬૫ લાખ ટન ઘઉંની ૩૬૯.૫૦ ડોલર પ્રતિ ટનનાં ભાવથી ઘઉંનાં આયાત વેપારો કર્યાં છે. પાકિસ્તાનનાં સરકારી ટેન્ડરમાં કારગીલે સૌથી નીચા ભાવ ઓફર કર્યાં હતાં, જેને પગલે તેને વધુ જથ્થો પ્રાપ્ત થયો હતો.
પાકિસ્તાન ઘઉંની આયાતને પગલે ભારતીય નિકાસને પણ ફાયદો થયો છે. મલ્ટીનેશનલ કંપનીઓ હાલ ગુજરાત સહિત ભારતમાંથી ઘઉંની આયાત કરીને વાયા બીજા દેશ પણ પાકિસ્તાનમાં ઘઉંની આયાત કરી રહી છે, જેને પગલે ભારતીય ઘઉંનાં નિકાસ વેપારો પણ સારા થઈ રહ્યાં છે.
ભારતીય ઘઉંનાં ભાવમાં તાજેતરમાં સરેરાશ ક્વિન્ટલે રૂ.૧૦૦થી ૧૫૦ની તેજી આવી ગઈ છે. હવે સરકારી એજન્સીનાં દર સપ્તાહે આવતા ટેન્ડરમાં મિલોને પૂરતો માલ મળી રહેતો હોવાથી આગળ તેજીને બ્રેક લાગી છે. સરેરાશ ઘઉંની બજારમાં હવે મોટી તેજીનાં આસાર નથી, પરંતુ નિકાસ વેપારો વધે તો બજારને ટેકો મળી શકે તેમ છે.
આ પણ વાંચો - 58 લાખ ખેડૂતો માટે બનાવાશે યુનિક આઈડી કાર્ડ, જાણો કેવી રીતે મળશે લાભ?
Share your comments