ભારતએ ઋષિ અને કૃષિનો દેશ છે. ગ્રામીણ ભારત પાસે પ્રાચીન ઔષધિઓનો અખૂટ ભંડાર પડેલો છે. પરંતુ યોગ્ય પધ્ધતિ અને માહિતી વિના તેનો યથાયોગ્ય ઉપયોગ થઇ શકતો નથી. જો કુદરતી ઔષધિનો યોગ્ય ઉપયોગ થાય તો પશુપાલકો ઘર બેઠાં, ખૂબ જ ઓછા ખર્ચે પોતાના પશુઓ માટે રોગોની સારવાર કરી શકે છે. એક અંદાજ પ્રમાણે પશુપાલકો પોતાના ૧ પુખ્ત પશુ દીઠ એક વર્ષમાં લગભગ ૩૦૦ થી ૫૦૦ રૂ. દવા પાછળ ખર્ચે છે. કુદરતી ઔષધીઓના સમયસર ઉપયોગ થકી તે ખર્ચમાં ઘણો ઘટાડો કરી શકાય છે. આ લેખમાં આપણે કુદરતી ઔષધિઓના ઉપયોગ થકી અગત્યનાં પશુ રોગોની સારવાર વિશે વિસ્ત્રુતમાં ચર્ચા કરીશું.
૧. મસ્ટાઇટીસ (ધાવરુ/ખાપરી) :
જરૂરી સામગ્રી - ૨૫૦ ગ્રામ કુંવારપાઠું, ૫૦ ગ્રામ હળદર, ૨૦ ગ્રામ કળી ચુનો
બનાવવાની રીત – કુંવારપાઠું સમારી હળદર અને ચુનો ભેગુ કરી મિક્ષ્ચરમાં મિક્ષ કરી મલમ બનાવો, પાણી સાથે આશરે ૧૦-૨૦ મિલિ લઈ શકાય. આ મલમનો રંગ લાલાશ પડતો હોવો જોઇએ. આખા દિવસમાં આ મલમ વાપરવાનો હોય સ્વચ્છ વાસણ કે ડબ્બામાં ભરી લો.
મલમ લગાડવાની રીત:-
- સૌ પ્રથમ બધા આંચળમાંથી દૂધ અલગ વાસણમાં દોહી લેવું.
- આંચળ તથા આખા બાવલાને ધોઈ નાખો, ધોયા બાદ બાવલાને લુછવું નહીં.
- બનાવેલ મલમમાંથી એક મુઠી મલમ લઈ આશરે ૧૦૦ મિલિ પાણીમાં ઓગાળી આખા બાવલામાં સામાન્ય દબાણ આપતાં લગાડવું, જયારે આંચળ પર દબાણ આપ્યા વગર દવા લગાડવી.
કેટલી વાર લગાડશો:-
- જો બિમારી હાલમાં થઈ હોય તો આ મિશ્રણને દિવસમાં ૮-૧૦ વાર વધુમાં વધુ અને ઓછામાં ઓછું ૪-૫ વાર એમ ત્રણ દિવસ સુધી રોજ તાજુ મિશ્રણ બનાવી લગાડવું.
- જો આંચળમાં બીમારી લાંબા સમયથી થયેલી હોય તો આ મિશ્રણને દિવસમાં ૪-૫ વાર એમ બે અઠવાડીયા સુધી લગાડવું.
- જો આંચળમાં સોજા સાથે તાવ હોય તો મિશ્રણમાં એક મુઠી લીમડાના પાન નાંખી મિશ્રણ બનાવવું.
- રાત્રે છેલ્લી વખત મિશ્રણ લગાડવા પાણીની જગ્યાએ સરશીયાના તેલનો ઉપયોગ ફરજીયાત કરવો. બાવલાને પાણીથી સાફ કરવું નહીં.
- મલમ લગાવતાં નીચે તળીયા પર પડેલ મલમ વપરાશમાં લેવો નહીં.
આંચળમાં કણી પડવી:
આંચળમાં કણી પડેલ હોય અને સંપૂર્ણ દૂધ દોહનમાં તકલીફ હોય તો તેની નીચે આપેલી રીત પ્રમાણે ઉપચાર કરવો.
- આંચળની લંબાઈ જેવડી લીમડાની લીલી અને કડક સળી તેના મુળમાંથી કાતર વડે કાપીને ઉપર રેસા ન રહે તે રીતે લેવી.
- આ લીમડાની સળી ઉપર હળદર અને ઘી અથવા માખણ લગાડી દેવું
- આ સળીનો જાડો ભાગ બહાર રહે તે રીતે સળીને આંચળમાંથી દૂધ કાઢયા પછી ધડીયાળના કાંટાની વિરૂધ્ધ દિશામાં ફેરવી આંચળમાં દાખલ કરવી.
- સવાર-સાંજ બે વખત દોહયા પછી ૪-૫ દિવસ આમ કરવાથી ખૂબ સરસ ફાયદો થાય છે.
- દરેક વખત નવી સળી લેવી.
૩. બાવલામાં પાણી ભરાવું:
જરૂરી સામગ્રી - લસણ ૧ નંગ (આશરે ૧૦ કળી), ૫૦ ગ્રામ હળદર, 300 ગ્રામ તલનું તેલ/સરશીયું તેલ
લગાડવાની રીત:-
- સૌ પ્રથમ ૩૦૦ ગ્રામ તલનું તેલ/સરશીયું તેલ લઈ ઉકાળો તેમાં લસણની કળીના નાના નાના ટુકડા કરી ઉકળતા તેલમાં નાખો પરંતુ લસણની કડી બળીને કાળી ન પડે તેની કાળજી રાખવી. ત્યાર પછી ઉકળતા તેલને ચુલા પરથી નીચે ઉતારી લઈ થોડું ઠંડુ પાડી તેમાં ૫૦ ગ્રામ હળદર નાખો અને આ મિશ્રણ સાધારણ ગરમ રહે પછી બાવલામાં માલીશ કરવું.
- આચંળને પાણીથી ધોઈ, સાફ કરી કોરું કરવું.
- બનાવેલ મિશ્રણમાંથી ૧૦૦ મી.લી. મિશ્રણ લઈ આખા બાવલામાં દિવસમાં પાંચ વાર દૂધ કાઢયા બાદ લગાડવું.
૪. ખરવા મોવાસા:
જરૂરી સામગ્રી - લસણ ૪ કળી, ૧૦ ગ્રામ જીરૂ, ૧૦ ગ્રામ કાળા મરી, ૧ નંગ નાળીયેર, ૧૦ ગ્રામ હળદર, ૧૦ ગ્રામ મેથી, ૧૨૦ ગ્રામ ગોળ
વાપરવાની રીત:-
- જીરૂ, મેથી અને કાળામરી ૧૦ ગ્રામ જેટલા લઈ એક કલાક માટે પાણીમાં પલાળવા.
- ૧૦ ગ્રામ હળદર અને ૪ કળી લસણ પાણીમાં પલાળેલાં જીરૂ, મેથી અને મરીની સાથે મિક્ષ્ચરમાં વાટવા.
- તેમાં ૧૨૦ ગ્રામ ગોળ અને એક છીણેલું કોપરૂ નાંખી બરાબર ભેગું કરો.
- આ મિશ્રણ એક પુખ્ત પશુ માટે વાપરવું અને જો વાછરડી હોય તો બે વાછરડી માટે વાપરી શકાય.
- ધીમે ધીમે આ મિશ્રણ દિવસનાં ત્રણ વાર મોઢામા, જીભ અને તાળવા પર લગાડવું.
- દરેક વખતે તાજું મિશ્રણ બનાવી વાપરવું.
- જયાં સુધી પશુ સારું ન થાય ત્યાં સુધી ઉપચાર ચાલુ રાખવો.
આફરો/અપચો/બંધકોશ:
જરૂરી સામગ્રી – લસણ ૧૦ કળી, ૧૦ ગ્રામ હળદર, ૧૦ નંગ નાગરવેલનાં પાન, ૨ નંગ સુકુ લાલ મરચું, ૧૦ નંગ હાડજોડ, ૧૦૦ ગ્રામ ગોળ, ૨૫ ગ્રામ જીરૂ, ૧૦ ગ્રામ કાળા મરી, ૧૦૦ ગ્રામ આદું, ૧૫ નંગ નાની ડુંગળી.
મિશ્રણ બનાવવાની રીત:
- કાળ મરી અને જીરા એક કલાક માટે પાણીમાં પલાળો.
- કાળા મરી, જીરૂ, હળદર, લાલ મરચાં, નાગરવેલનાં પાન, આદુ અને હાડજોડને મિક્ષ્ચરમાં એકરસ વાટી લો.
- ૧૦૦ ગ્રામ ગોળ ઊમેરી નાના લાડુ બનાવી લેવા.
- આ લાડુ મીઠામાં રગદોળી બીમાર પશુની જીભ પર લગાવી રોજ બે વખત એમ ત્રણ દિવસ સુધી ખવડાવવું.
વલો/ટુંટીયુ:
જરૂરી સામગ્રી - ૫ નંગ નાની ડુંગળી, ૫ ગ્રામ કાળા મરી, ૫ પાન નાગરવેલનાં પાન, ૧૦ ગ્રામ જીરૂ, ૨૦ ગ્રામ કરીયાતું
મિશ્રણ બનાવવાની રીત:
- જીરૂ અને કાળા મરી ૧ કલાક માટે પાણીમાં પલાળો.
- ઉપરની બધી સામગ્રી ભેગી કરી તેમાં ગોળ ઉમેરી વાટી લેવી.
- તેના નાના લાડુ વાળો.
- લાડુને મીઠામાં રગદોળી પશુની જીભ પર દિવસમાં ત્રણ વાર એમ ત્રણ દિવસ સુધી લગાવો.
પશુ બેસામણ પડવું:
પ્રથમ ઉપચાર :
બે ઈંડા દિવસમાં ત્રણ વાર એટલે કે સવાર, બપોર અને સાંજે એમ કુલ ૬ ઇંડા આખા દિવસમા આપવા.
ઇંડા ખવડાવવાની રીત :- ઇંડાને થોડુ તોડી પશુના ગલોફામાં આખુ મૂકી થોડીવાર વાગોળવા દેવું આ પ્રમાણે બીજુ ઇંડુ ખવડાવવું. આવી રીતે સવાર- બપોર અને સાંજે આપવું. આ પ્રમાણે ઉપચાર ત્રણ દિવસ સુધી કરવો.
બીજો ઉપચાર :
ચાર મુઠી સરગવાના પાન અને ૩૦ ગ્રામ હાડજોડ પાવડર અથવા હાડસાંકળના ૫-૭ ટુકડાની પેસ્ટ ૧૦૦ ગ્રામ ગોળના પાણીમાં બોળી એક મુઠી ગાલના અંદરના ભાગમાં(ગલોફા) મૂકી થોડીવાર વગોળવા દેવું આવી રીતે બનાવેલું મિશ્રણ પૂરેપૂરુ ખવડાવી દેવું. આ પ્રમાણે દિવસમાં પાંચ- સાત વાર ઉપચાર કરવો.
ત્રીજો ઉપચાર :
૧ લિટર તલનું તેલ લો તેમા લસણની કળી(નંગ ૪ થી ૫)નાં નાના નાના ટુકડા કરી નાંખી તેને ઉકાળો તેને થોડું ઠંડુ પાડી ૧૦ ગ્રામ હળદર નાંખો આ પ્રમાણે માલીશનું તેલ તૈયાર થશે આ તેલ પશુના પગમાં માલીશ કરી પગની કસરત કરાવવી. આવી રીતે બે થી વખત માલીશ કરવું.
મેલી/જર ન પડવી:
૧૦૦ ગ્રામ ગોળ વાળા પાણીમાં થોડું મીઠુ નાંખી તેમાં ૧.૫ કિલોગ્રામ ભીંડા ઉભા કાપીને બોળો અને ત્યારપછી ખવડાવવો.
ગર્ભાશયનો સોજો/કેડ પાકવી:
દરરોજ ૧ મૂળો લઈ તેને જીરા અને મીઠા વાળો કરી ગાલનાં અંદરના ભાગમાં મૂકી પાંચ દિવસ સુધી ખવડાવવો.
ઘૂંટણમાં સોજા/પાણી ભરાવું:
૨ લસણની કળી લો, ૧૦૦ ગ્રામ કુંવારપાઠું, ૨૫ ગ્રામ હળદર, બે હાડજોડના ટુકડા આ બધી સામગ્રીને ભેગી કરી વાટો ત્યારબાદ તલનું તેલ અથવા કોપરેલ તેલ થોડું ગરમ કરી ઉપર મુજબ બનાવેલી પેસ્ટમાં મીકસ કરી દિવસમાં બે થી ત્રણ વખત માલીશ કરવું.
દિલ નીકળવું:
૧૫૦ ગ્રામ કુંવારપાઠુંની જેલ (ગર) કાઢી પાણીથી સાફ કરો, તેમાં ૨૦ ગ્રામ હળદર અને ૫૦ ગ્રામ લજામણીના પાનને ૫૦૦ ગ્રામ પાણીમાં નાખીને ઉકાળો. બનાવેલી દવા ઠંડી પડે તેને ગરણીથી ગાળીને આ મિશ્રણને નીકળેલા દિલ ઉપર છંટકાવ કરવો. આ છંટકાવ દર એક કલાકે કરવો. આવી રીતે દિવસમાં ચાર થી પાંચ વાર કરવાથી ગર્ભાશયનું સંકોચન થશે.
તાવ માટે ઘરગથ્થુ ઉપચાર:
જો પશુને તાવ હોય (૧૦૪-૧૦૫૦ ફે) અને પશુ ખોરાક ખાવાનું બંધ કરી દે તેવા સંજોગોમાં નીચે પ્રમાણે ઉપચાર કરવાથી ફાયદો થાય છે.
જરૂરી સામગ્રી - બે ચમચી કાળા મરી, બે ચમચી ધાંણા(સૂકાં), બે ચમચી જીરૂ, બે ચમચી હળદર, બે ટુકડા લસણ, બે ટુકડા ડુંગળી, પાંચ પાંદડા તમાલપત્ર, એક મુઠી તુલસીના પાંદડા, એક મુઠી લીમડાના કૂણા પાંદડા, એક મુઠી બિલીપત્ર, એક નંગ કરીયાતુ છોડ
વાપરવાની રીત:-
કાળા મરી, ધાણા અને જીરુને ૧૫ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવું. ત્યારબાદ, આ ત્રણેયને ખલમાં જીણાં વાટી દેવા અને તેમાં ઉપરોક્ત બધી જ વસ્તુઓને ખલમાં વાટીને મિશ્રણ બનાવવું પછી તેમાં દેશી ગોળ નાખી બરાબર લસોટી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને બે આંગળી વડે લઈ, મીઠાં સાથે મિક્ષ કરી, પશુનું મોઢું ખોલી, જીભ બહાર ખેચી, ઉપરનાં તાળવે લગાડી દેવું. દિવસમાં બે વાર આમ કરવાથી ખુબ સરસ ફાયદો થાય છે.
ઉથલા મારતા પશુ માટે:
આ ઉપચાર પશુ વેતરમાં આવ્યાના પહેલા અથવા બીજા દિવસથી ચાલુ કરવો. પશુને ગર્ભાશયમાં સોજા/કેડ પાકવી/મેલી પાડેલી હોય તેવા પશુને પ્રથમ પાંચ દિવસ સુધી જીરા-મીઠા વાળો મૂળો કરી ખવડાવવો. ત્યારબાદ નીચે મુજબ ઉપચાર ચાલુ કરવો.
આંચળના મસા, પોકસ, ચીરા માટે:
જરૂરી સામગ્રી - ૧૦ પાંદડા ડમરો, ૧૦ પાંદડા તુલસી, ૧૦ પાંદડા કડવો લીમડો
વાપરવાની રીત:
આપેલી તમામ સામગ્રી લસોટીને ઘરના તાજા માખણ કે ઘી સાથે મીક્ષ કરી આખા બાવલા પર અથવા આંચળ પર સતત લગાવી રાખવું, આ પ્રમાણે અઠવાડિયા સુધી મલમ લગાવવો. બાવલાને અઠવાડીયા સુધી પાણી થી સાફ કરવું નહીં.
હઠીલા ઝાડા માટે:
જરૂરી સામગ્રી - ૧૦ ગ્રામ જીરૂ, ૦૫ ગ્રામ કાળામરી, ૧૦ ગ્રામ મેથી, ૧૦ ગ્રામ ખસખસ, ૦૫ ગ્રામ હીંગ, ૦૫ ગ્રામ હળદર
પેસ્ટ માટેની સામગ્રી - ૨ નંગ નાની ડુંગળી, ૧૦ થી ૧૫ પાન કઢી લીમડો, ૨ થી ૩ કળી લસણ, ગોળ જરૂરીયાત મુજબ
વાપરવાની રીત:
ઉપરની તમામ વસ્તુ તવી પર ધુમાડો નીકળે ત્યાં સુધી શેકી નાંખો. પછી સામાન્ય પાણીનો છંટકાવ કરી ઠંડુ પાડો. ત્યારબાદ પેસ્ટ માટેની સામગ્રી લઈ મીક્ષ્ચર મશીનમાં મીક્ષ કરી પેસ્ટ તૈયાર કરો, ત્યાર બાદ ઉપર મુજબની તૈયાર થયેલી શેકેલી સામગ્રી પેસ્ટની વચ્ચે મૂકી લાડુ બનાવી મીઠા વાળો કરી પશુને મોઢામાં ગાલની અંદરની સાઈડમાં મૂકી ખવડાવવો. માત્ર એક જ વખત આ પ્રકારની સારવાર કરવાથી પશુને થયેલા હઠીલા ઝાડા મટી જશે.
મેગટ (કીડા) વાળો ઘા:
ઘા ને નવસેકા ગરમ પાણીથી સાફ કરી સીતાફળના પાનનો રસ ધા માં જવાદો અને સીતાફળના પાનનો કુચો કરી ડુચો બનાવી ઘા માં દબાવી મૂકો.
આ પણ વાંચો:શિયાળા ઋતુમાં દુધાળા પશુઓની માવજત
Share your comments