મધમાખીપાલન – રોજગારીની એક નવી તક
ખેતી સાથે સંકળાયેલા યુવાન અથવા લઘુ ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવવા માટે મધુપાલન ખુબજ સારો વ્યવસાય છે. જેમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.જેમાં મધ અને મીણ ઉત્પન્ન થાય છે. જો ખેતીના વ્યવસાય પર નજર કરવામાં આવે તો લગભગ ૪૦ ટકા જેટલા ખેડૂતો આ વ્યવસાયથી સંતુષ્ટ નથી. બિયારણ અને ખાતરના વધતા ભાવ તથા ખેતપેદાશોના અર્થક્ષમ ભાવ ન મળવા જેવા કારણો આ માટે જવાબદાર છે. આ પરિસ્થિતીમાં ખેડૂતો માટે એવું જરૂરી બને કે જેમાં ખેતીની સાથે વધારાની આવક પણ મળી શકે. જેમાં મધમાખી પાલન વધુ આવકના વિકલ્પ તરીકે સાબિત થઇ શકે છે.
મધમાખીપાલન થી મળતી આવક
જો ખેડૂત પોતાના ખેતરમાં ૧૦ મધમાખી પેટી લગાવે તો કુલ ખર્ચ ૫૦,૦૦૦ થાય (એક પેટીનો ભાવ ૫,૦૦૦). એક મધમાખીની પેટીમાંથી વર્ષ દરમ્યાન ૪૦ કીલો મધ મળે તો ૧૦ પેટીમાંથી કુલ ૪૦૦ કીલો મધ મળે. એક કીલો મધનો અંદાજીત બજાર ભાવ ૪૦૦ રૂપિયા હોય તો કુલ ૪૦૦ કીલો મધનો ભાવ ૧,૬૦,૦૦૦ થાય. આ મુજબ ૧,૬૦,૦૦૦ ની આવક સામે ખર્ચ ૫૦,૦૦૦ થાય જેથી ચોખ્ખો નફો ૧,૧૦,૦૦૦ મળે.
મધમાખીપાલન માટે જગ્યાની પસંદગી
- મધમાખી ઉછેરની આસપાસની જગ્યા સાફ તેમજતે સ્થળ ખુલાણવાળું, સૂકૂં,સૂર્યપ્રકાશથી રક્ષણ આપે તેવું અનેબગીચાની નજીક હોવું જોઇએ જ્યાં આસપાસ ફૂલોનો રસ, પરાગરજ અને પાણી પ્રાપ્ય હોય.
- કીડી, ઉંદર, ગરોળી, કાચીંડો વગેરે મધમાખીના દુશ્મન છે. તોજ્યાં મધપૂડાનું સ્ટેન્ડ હોય ત્યાં આસપાસ આવેલ કિડિયારાં ભરી દેવામાં આવે છે.મધમાખીઓની કોલોનીઓ હંમેશા પૂર્વ દિશામાં રાખવી જોઇએ જેથી તડકા અને વરસાદ સામે રક્ષણ મળી શકે.ધણ, અન્ય પ્રાણીઓ, ખૂબ જ વાહનવ્યવહાર યુક્ત રસ્તાઓ અને લાઇટોથી તેને દૂર રાખવું જોઇએ.
મધમાખીપાલન પૂર્વે કરવાની તૈયારી
મધમાખી પાલન પૂર્વે માણસ અને મધમાખીનો સંબંધ જાણવો ખુબ જરૂરી છે જેમાં મધમાખીની વર્તણુંકનો અભ્યાસ કરવો જરૂરી છે કેમ કે મધમાખીના દંશ મારવાની વાત સામાન્ય છે. એકવાર મધમાખી અને માણસ વચ્ચેના સંબંધને ઓળખ્યા બાદ જ મધમાખી પાલનનો વ્યવસાય કરવો જોઈએ. ત્યારબાદ મધમાખી પાલનમાં ઉપયોગી ઉપકરણો અને પેદાશો માટે એક યોજના બનાવવી જોઈએ. આ ઉપરાંત તેમાંથી મળતી પેદાશોના વેચાણ માટે પેલાથી જ બજારમાં ગ્રાહકો શોધવા જરૂરી છે. સામાન્ય રીતે બેકરીવાળા તથા ચોકલેટ બનાવનાર મધનો વધુ ઉપયોગ કરતા હોય છે જેથી તેનો સંપર્ક કરવો પણ આવશ્યક છે.
મધમાખીપાલન શરુ કરતા પૂર્વેની આવશ્યકતા આ મુજબ છે.
- મધમાખી પાલનની જાણકારી તથા તેનું પ્રશિક્ષણ,
- આ માટેનાં પ્રશિક્ષણ માટે કૃષિ વિશ્વવિદ્યાલય અથવા ખેતીવાડી ખાતાનો સંપર્ક કરવો જોઈએ.
- સ્થાનિક અનેપ્રવાસી મધમાખીની જાણકારી અનેજરૂરિયાત
મધમાખીનું પ્રબંધન
- મધમાખીની પેટી ખેતરની નજીકમાં લગાવવી જોઈએ જેથી મધમાખીને સહેલાઇથી ખોરાક મળી રહે તેમજજ્યાં ૧૦ ટકા પાકમાં ફૂલ અવસ્થા હોય.
- ઇટાલીયન મધમાખીની ૩ તથા ભારતીય મધમાખીની ૫ પેટી પ્રતિ હેક્ટર રાખવી.
- ઓગષ્ટ તથા સપ્ટેમ્બર મહિનાઓમધમાખી પાલનની શરૂઆત માટે યોગ્ય માનવામાં આવે છે.
- મધ નીકાળવાની પ્રક્રિયા, ફૂલ અવસ્થા વીત્યા બાદ યોગ્ય ઉપકરણોનો ઉપયોગ કરી કરવી.
અનુકુળ વાતાવરણ
ફૂલોની ખેતી સાથે આ વ્યવસાય વધુ ઉપયોગી પુરવાર થાય છે. જેનાથી ૨૦ થી ૮૦ ટકા સુધી ઉત્પાદનમાં વધારો થાય છે. સુર્યમુખી, ગાજર, મરચા, સોયાબીન, ફળપાકો જેવા કે લીંબુ, આમળા, પપૈયા, જામફળ, આંબો, સંતરા, મોસંબી, દ્રાક્ષ જેવા વવાતા પાકના વિસ્તારમાં આ વ્યવસાય વધુ ઉપયોગી નીવડે છે.
મધમાખીપાલન માટે શિક્ષણની આવશ્યકતા
મધમાખી પાલન માટે યોગ્ય સંસ્થામાંથી શિક્ષણ લેવું જરૂરી છે. જેમાં મધ ઉત્પાદન કરવા માટેનું યોગ્ય વાતાવરણ, તે માટેના યોગ્ય ઉપકરણોની જાણકારી, ઉત્પાદન માટેની તરકીબો, વધુ મધ આપતી મધમાખીની જાતની જાણકારી વગેરે જેવું શિક્ષણ આપવામાં આવે છે.
મધમાખીપાલન વિષે શિક્ષણ આપતી સંસ્થા
૧. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી
૨. રાષ્ટ્રીય મધમાખી કેન્દ્ર,
૩. બી ઇન્સ્ટીટયુશન એરિયા, નવી દિલ્હી
૪. જ્યોતિ ગ્રામોદ્યોગ સંસ્થા, સહરાનપુર
૫. મધમાખી પાલન અને શોધ સંસ્થા, હરિયાણા
૬. મધમાખી પ્રશિક્ષણ કેન્દ્ર, નૈનીતાલ
મધમાખીની જાતો
ભારતમાં મધમાખીની ચાર પ્રજાતિઓ જોવા મળે છે.
૧. રૉક બી (એપિસ ડોર્સાટા)
આ મધમાખી મોટામાં મોટી અને ૧૭ થી ૨૦ મી.મી. લાંબી હોય છે. ઉંચા ઝાડ તેમજ મકાનોમાં લટકતો મધ પૂડો બનાવે છે. આ મધમાખીની ખાસિયત એ છે કે તે મોટો અને લાંબો મધ પૂડો બનાવે છે. તેઓ સારો મધ સંગ્રહ કરે છે અને પ્રતિ કોલોની ૨૦-૪૦કિગ્રા મધ આપે છે.
૨. લિટલ બી (એપિસ ફ્લોરિયા)
આ માખી ભારતીય મધમાખી કરતા નાની હોય છે. તે ઝાડની ડાળીઓ, કુવાની બખોલ, દિવાલોના ખુણાઓ વગેરે જગ્યાએ મધપુડાઓ બનાવે છે. તેઓની મધ બનાવવાની ક્ષમતા ઓછી હોવાથી તેઓ ૦.૨૫૦- ૨.૦કિલો ગ્રામ પ્રતિ કોલોની મધ આપે છે. આ માખીએ ઉત્પન કરેલું મધ ખુબજ મીઠું હોય છે.
૩. ઇન્ડિયન બી (એપિસ સેરાના ઇન્ડિકા)
આ માખી ડાળી મધમાખી કરતા મોટી અને ભમરીયા મધમાખી કરતા નાની હોય છે. તે ઝાડની બખોલ, ગુફાઓ, કુવાની દિવાલો, પથ્થરની ખીણમાં સમાંતર ૫-૭ મધપુડા બનાવે છે અને તેને સહેલાયથી પાળી સકાય છે. તેઓ પ્રતિ વર્ષ પ્રતિ કોલોની ૮-૧૦ કિગ્રા મધ આપે છે.
- ૪. યુરોપિયન બી (એપિસમેલિફેરા): આ માખી ઇટાલીથી આયાત કરવામાં આવે છે જે ભારતીય મધમાખી કરતા થોડી મોટી હોય છે અને તેને સહેલાયથી પાળી સકાય છે. મધ ભેગું કરવાની શક્તિ વધારે હોય છે. વેક્ષ મોથ સાથે ટક્કર ઝીલી સકે છે. તેમનું પ્રતિ કોલોની મધ ઉત્પાદન ૨૦-૨૫ કિગ્રા હોય છે.
- ડંખ રહિતમધમાખી (ટ્રિગોના ઇરિડિપેનિસ):ઉપર જણાવેલ પ્રજાતિઓ ઉપરાંત, કેરળમાં એક અન્ય જાતિ પણ જોવા મળે છે જેને ડંખ રહિતમધમાખી કહે છે. તેઓ હકીકતમાં ડંખ વગરની હોતી નથી, પરંતુ તેમનો ડંખ ખૂબ જ ઓછો વિકસિત હોય છે. તેઓ ખૂબ જ સારી પરાગવાહક છે અને પ્રતિવર્ષ ૩૦૦-૪૦૦ ગ્રા મધ આપે છે.
મધમાખીની કોલોનીની સ્થાપના
- મધમાખીની કોલોની સ્થાપવા માટે, મધમાખીઓને જંગલી કોલોની માંથી મધપૂડાનાં ખોખામાં સ્થાનાંતરિત કરવાની રહે છે. તે માટે તેમનાં આખાં ઝૂંડને સ્થાનાંતરિત કરવું પડે છે.
- આમ, ઝૂંડને લાવતાં પહેલાં એ આવશ્યક છે કે મધપૂડા માટેનાં ખોખાને જૂના કચરાની મદદથી તેમજ મધનાં મીણની મદદથી નૈસર્ગિક સુગંધ યુક્ત અને આકર્શક બનાવવામાં આવે. જો શક્ય હોય તો, નૈસર્ગિક ઝૂંડમાંથી રાણી માખીને પકડી અને તેને અંદર મૂકવામાં આવે જેથી અન્ય માખીઓ તેના પ્રત્યે આકર્ષિત થાય.
- ઝૂંડને કેટલાંક અઠવાડિયાંઓ સુધી અડધો કપ સફેદ ખાંડને ગરમ પાણીમાં ઓગાળી બનાવેલ રસ આપવામાં આવે છે જેથી મધપૂડો પણ જલ્દી તૈયાર થાય છે.
- વધુ પડતી માખીઓ ભેગી ન થાય તે જુઓ.
મધ
મધ ઘટ્ટ, સફેદ ઘેરું, ગુલાબી, લાલ પીળું બદામી રંગનું હોય છે. કામદાર મધમાખી ફૂલોના મધુરસને પોતાના શરીરમાં રહેલ મીણગ્રંથીમાં ભેગું કરી મધમાં રૂપાંતર કરીને તેને બહાર કાઢી મધપુડામાં ઠાલવે છે, જે મધ કહેવાય છે. મધમાં ૧૭ ટકા પાણી, ૭૮ ટકા શર્કરા તથા ૭ ટકા ઉત્સેચક અને ક્ષાર હોય છે. મધમાં લોહ, પોટેશ્યમ, તાંબુ, મેંગેનીઝ અને ફોસ્ફરસ જેવા ખનીજ તત્વો અને પ્રોટીન, વિટામીન અને ડેક્ષટ્રોઝ વગેરે તત્વો રહેલા હોય છે.
મધમાખી પાલનના ફાયદા
- મધમાખીપાલનથી ફૂલરસ તથા પરાગરજનો સદુપયોગ તથા આવક અને સ્વરોજગારની તક ઉભી થાય છે.
- ખેતરમાં મધમાખીની પેટી રાખવાથી પરાગનયનની પ્રક્રિયામાં વધારો થાય છે જેથી ખેત ઉત્પાદનમાં સવાથી દોઢ ગણો વધારો થાય છે.
- ચોખ્ખું મધ, રોયલ જેલી, મીણ નું ઉત્પાદન મળે છે.મધ અને રોયલ જેલી જેવી ખાદ્યચીજોથી માનવીના સ્વાસ્થ્યમાં સુધારો થતા નીરોગી રહે છે. મધનું રોજ સેવન કરવાથી ટીબી, અસ્થમા, કબજિયાત જેવી બિમારીમાંથી મુક્તિ મળે છે. રોયલ જેલીનું સેવન કરવાથી ટ્યુમર(ગાંઠ)ની સમસ્યા થતી નથી તથા યાદશક્તિમાં અને આયુષ્યમાં પણ વધારો થાય છે. મધમાખીની થેરાપીથી ઘણા અસાધ્ય રોગોનું નિદાન થઈ શકે છે.
- મધમાખીપાલનમાં ઓછો સમય તથા રોકાણની જરૂરત રહે છે.
- મધમાખીપાલનથી ખેતીની પરંપરાગત વસ્તુમાં કોઈ પ્રતિસ્પર્ધા થતી નથી.
- મધમાખીપાલનની પર્યાવરણમાં પણ સકારાત્મક અસર થાય છે.
- મધમાખીપાલન કોઈ એક માણસ તથા સમૂહ દ્વારા પણ શરુ કરી શકાય છે.
આ પણ વાંચો:કરવી છે બમણી કમાણી, તો કરો પશુપાલનનો વ્યવસાય
Share your comments