મધમાખીઓના પરીવારમાં રાણી મધમાખી, નર મધમાખી અને શ્રમિક મધમાખીઓ હોય છે. તેમના લિંગ અનુસાર તેમના કામની વહેંચણી થયેલ હોય છે. મધમાખીની એક કોલોનીમાં 40 હજાર થી 50 હજાર સભ્યો હોય છે. એક પુડામાં એક જ રાણી, 20 થી 200 નર અને બાકીની શ્રમિક મધમાખીઓ હોય છે.
(ક) રાણી મધમાખી: રાણી મધમાખી આકારમાં સૌથી મોટી, સક્રિય અને સોનેરી રંગ ધરાવતી પૂર્ણવિકસિત માદા હોય છે. રાણી મધમાખીમાં મધગ્રંથિનો અભાવ હોય છે. તેમનું જીવનચક્ર 2 થી 3 વર્ષનું હોય છે તેમજ 1500 થી 2000 ઈંડા દરરોજ મૂકી શકે છે.
(ખ) શ્રમિક મધમાખી: આ અપૂર્ણ વિકસિત અને વંધ્ય માદા હોય છે તેમની સંખ્યા એક કોલોનીમાં 20 હજાર થી 30 હજાર સુધીની હોય છે અને તેમનું જીવનચક્ર 35 થી 42 દિવસ સુધીનું હોય છે. તેમનું કામ તેમની ઉંમરના આધારે વહેંચાયેલું હોય છે. જેમકે 1 થી 14 દિવસ સુધી સક્રિય થઈને કોલોની/પુડા ની સફાઈ કરવી. 14 થી 20 દિવસ સુધી પુડાના પ્રવેશદ્વાર પાસે સુરક્ષા કર્મીની જેમ કામ કરવું અને 20 થી 35 દિવસ સુધી ફૂલોનો રસ અને પરગરજનો સંગ્રહ કરવો.
(ગ) નર મધમાખી: નર મધમાખી અફલિત ઇંડામાથી ઉત્પન્ન થાય છે. અને તેમનું જીવનચક્ર લગભગ 60 દિવસનું હોય છે. મધપેટીનું વ્યવસ્થાપન: મધમાખીઓના પેટીમાં ઉછેરને “એપીકલ્ચર” કહે છે અને જ્યાં મધમાખીઓની પેટીઓ રાખીને ઉછેર કરવામાં આવે છે તેને “એપીયરી” કહેવાય છે. મધમાખી પાલનમાથી વધુ આવક મેળવવા તેનું પુરતું અને વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન કરવું જરૂરી છે. જેમાં નીચે પ્રમાણેના મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ.
(1) એપીયરી માટે પૂરતા સૂર્યપ્રકાશવાળી જગ્યા પસંદ કરવી જોઈએ.
(2) સારી ગુણવત્તાવાળી અને યોગ્ય પ્રજાતિની મધમાખીઓની પસંદગી કરવી.
(3) કોલોનીને વીજળી ઘર, ઈંટની ભઠ્ઠી અને રેલવે ટ્રેક તેમજ વધારે વાહનની અવરજવરવાળા વિસ્તારમાં ન રાખવી જોઈએ.
(4) કોલોનીનું નિયમિત નિરીક્ષણ કરવું જોઈએ.
(5) પાણીની વ્યવસ્થા તથા ભોજનની અભાવ ઋતુંમાં યોગ્ય વૈકલ્પિક ભોજનની વ્યવસ્થા કરવી.
(6) કીટકો અને રોગનું નિયંત્રણ કરવું.
(7) આપણી એપીયરીની જગ્યાથી આજુબાજુના ૨ થી ૩ કિલોમીટરના વિસ્તારમાં બીજી અન્ય કોઈ વ્યવસાયિક એપીયરી ન હોવી જોઈએ.
(8) મધ યોગ્ય અને વૈજ્ઞાનિક પધ્ધતિથી કાઢવું જોઈએ.
માહિતી સ્ત્રોત - હર્ષદ પ્રજાપતિ, ડો.પ્રતિક જાવિયા, ડો. સાગર પટેલ, ડો.. જી.જી.ચૌહાણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ, ડાંગ - 394730
આ પણ વાંચો - મધમાખી પાલન ઉદ્યોગ અન્ય ઉદ્યોગની સરખામણીએ કઈ રીતે વધુ કમાણી કરી આપે છે ?
Share your comments