મધમાખી પાલન એ આપણાં દેશમાં પરાપૂર્વથી ચાલતો આવતો અને ઘણા બધા લોકોને રોજગારી પુરો પાડતો વ્યવસાય છે. આપણાં દેશમાં સામાન્ય રીતે પરંપરાગત પધ્ધતિથી મધપાલન કરાય છે અને વૈજ્ઞાનિક પધ્ધતિથી ઘણું ઓછું મધપાલન થાય છે. જો આપણે વૈજ્ઞાનિક પધ્ધતિથી મધપાલન કરી તો પર્યાવરણને નુકશાન કર્યા સિવાય મધપેટીમાથી ઘણીબધી પેદાશ મેળવીને કમાવાની શક્યતા રહેલી છે.
આપણાં દેશમાં મુખ્યત્વે પાંચ પ્રકારની મધમાખી જોવા મળે છે. ભારતીય મધમાખી (એપીસ સેરેના ઇન્ડીકા), યુરોપીયન/ઈટાલીયન મધમાખી(એપીસ મેલીફેરા),નાની મધમાખી (એપીસ ફ્લોરીઆ), ડંખ વગરની માખી(ટ્રાયગોના અને મેલીગોના) તેમજ જંગલી મધમાખી (એપીસ ડોર્સાટા) મુખ્ય છે. મધમાખીનો ઉછેર અને પાલન કરવાથી આપણને મધ તો મળે છે પણ સાથે સાથે રોયલ જેલી, મધમાખીનું વિષ, મીણ, પ્રોપોલીસ જેવી અન્ય ઉત્પાદ પણ મળે છે. પરાગનયનમાં મધમાખીનો ઘણો ફાળો છે અને તેનો સીધો જ ફાયદો આપણને બીજ ઉત્પાદનમાં અને પાકનું ઉત્પાદન વધારવામાં મળે છે.
મધમાખી પાલનનું મહત્વ
(૧) મધમાખી પાલન બીજા વ્યવસાયની સરખામણીમાં ઓછી આવક અને સસ્તા સાધનોથી શરૂ કરી શકાય છે.
(૨) મધમાખી પાલન થકી ઓછા ખર્ચામાં વધુ આવક મેળવી શકાય છે.
(૩) ખેતીની જમીન જેમની પાસે નથી તેવો મજૂરવર્ગ પણ આ વ્યવસાય સરળતાથી અપનાવી શકે છે.
(૪) મધમાખી પાલનના કારણે પરાગનયન વધવાથી પાકના ઉત્પાદનમાં સીધો ફાયદો જોવા મળે છે.
(૫) જ્યાં ખેતી કરવી ઘણી જ કઠીન હોય તેવી જમીનમાં પણ મધમાખી પાલન સરળતાથી કરી શકાય છે.
મધમાખીઓની પાળવા યોગ્ય પ્રજાતિઓની માહિતી
ભારતીય મધમાખી (એપીસ સેરેના ઇંડીકા), યુરોપીયન મધમાખી (એપીસ મેલીફેરા) તેમજ ડંખ વગરની માખી (ટ્રાયગોના પ્રજાતિ) મધમાખી પાલનના વ્યવસાયમાં ઉપયોગ કરી શકાય તેવી પ્રજાતિ છે, જેની વધુ વિગત નીચે પ્રમાણે છે.
(૧) ભારતીય મધમાખી (એપીસ સેરેના ઇન્ડીકા):
આ મધમાખી મધ્યમ આકારની હોય છે અને ભારતના લગભગ બધાજ ભાગોમાં જોવા મળે છે. ભારતીય મધમાખી મધપુડો બનાવવા માટે અંધારાવાળી જગ્યાઓ વધુ પસંદ કરે છે. આ મધમાખીની રાણીનું આયુષ્ય સામાન્ય રીતે ૨ થી ૩ વર્ષનું હોય છે. શ્રમિક મધમાખી ૮૦૦ મીટરથી લઈને ૧ કિલોમીટરના વ્યાસવાળા વિસ્તારમાથી ફૂલોનો રસ તેમજ પરાગ મેળવે છે. આ મધમાખીની મધ ઉત્પાદન કરવાની ક્ષમતા ૭ થી ૯ કિગ્રા પ્રતિ વર્ષ પ્રતિ કોલોની હોય છે.
(૨) યુરોપીયન મધમાખી (એપીસ મેલીફેરા):
આ મધમાખી ભારતીય મધમાખી કરતાં કદમાં મોટી હોય છે. આ મધમાખી આશરે ૨.૫ કિલોમીટરના વિસ્તાર સુધીના ક્ષેત્રમાં ફરીને ફૂલોમાથી રસ અને પરાગ એકત્રિત કરે છે. આ મધમાખીની એક કોલોનીમાથી આશતે પ્રતિ વર્ષ ૨૫ થી ૪૦ કિલોગ્રામ મધ મળે છે.
(૩) ડંખ વગરની માખી (મેલીગોના અને ટ્રાયગોના) :
આ મધમાખી ડંખ વગરની હોય છે જેના કારણે તેને ડંખ વગરની માખી કહે છે. તેમનો પુડો ગોળ આકારનો અને કાળા રંગનો હોય છે. આ મધમાખીના મધની ઔષધિય ગુણવત્તા વધારે હોય છે. આ મધમાખી દ્વારા પ્રતિ કોલોનીએ પ્રતિ વર્ષ ૧૦૦ ગ્રામ મધ મેળવી શકાય છે.
માહિતી સ્ત્રોત - હર્ષદ પ્રજાપતિ, ડો.પ્રતિક જાવિયા, ડો. સાગર પટેલ, ડો.. જી.જી.ચૌહાણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ, ડાંગ -૩૯૪ ૭૩૦
આ પણ વાંચો - ગુજરાતની ગીર ગાયનો બ્રાઝીલમાં પણ વાગે છે ડંકો, જાણો કેમ ?
Share your comments