Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

“કુંવારપાઠાની વૈજ્ઞાનીક ખેતી”

કુંવારપાઠાનું વૈજ્ઞાનિક નામ એલો બાર્બેડેનસીસ મિલર છે જે લીલીએસી કુળનું છે. કુંવારપાઠું એ એક બરછટ દેખાતો, બારમાસી, છીછરા મૂળવાળો છોડ છે, જેમાં ટૂંકી દાંડી સાથે ૩૦-૬૦ સે.મી.ની ઉંચાઈ જોવા મળે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
aloevera plant
aloevera plant
  • પરિચય:

કુંવારપાઠાનું વૈજ્ઞાનિક નામ એલો બાર્બેડેનસીસ મિલર છે જે લીલીએસી કુળનું છે. કુંવારપાઠું એ એક બરછટ દેખાતો, બારમાસી, છીછરા મૂળવાળો છોડ છે, જેમાં ટૂંકી દાંડી સાથે  ૩૦-૬૦ સે.મી.ની ઉંચાઈ જોવા મળે છે.

છોડમાં બહુવિધ મૂળ હોય છે અને ઘણા સહાયક મૂળ જમીનમાં પણ હોય છે. કુંવારપાઠામાં સાચું થડ હોતું નથી. છોડ સામાન્ય રીતે છુટીછવાઈ રીતે અને જમીનથી અડકેલો રહીને ધીમી વૃદ્ધિ પામે છે. કુંવારપાઠાનાં માંસલ પાંદડા ગીચ, મજબૂત, ક્યુટીક્યુલરાઈઝ્ડ અને પાતળી દિવાલવાળા નળાકાર કોષો સાથે કાંટાળી ધાર ધરાવે છે. તેના ફૂલો પીળા રંગથી લઈને ઘાટા નારંગી રંગ સુધી બદલાય છે અને ટોચ પર ગોઠવાયેલા હોય છે. કુંવારપાઠાનાં છોડમાંથી વિપુલ માત્રામાં બી ઉત્પન થતાં નથી.

લાંબા સમયથી ઔષધીય બનાવટોમાં અને સુગંધિત દવા-દારૂના સ્ત્રોત તરીકે કુંવારપાઠું ઉપયોગમાં લેવાય છે. કુંવારપાઠાની કુલ ૨૭૫ પ્રજાતિઓમાંથી એલો બાર્બેડેન્સિસ, એલો ફેરોક્સ, એલો આફ્રિકાના અને એલો સ્પિકાટા પ્રજાતિઓને વ્યાપારિક રીતે મહત્વની ગણવામાં આવે છે. કુંવારપાઠાનનાં પાનમાંથી મુખ્યત્વે ૨ તત્વો મળે છે, જેમાં પ્રથમ એલોઈનનો સમાવેશ થાય છે કે જે સામાન્યતઃ પીળા રંગનો કડવો રસ હોય છે અને બીજું પોલિસેકરાઈડસ કે જે જેલિયુક્ત હોય છે. કુંવારપાઠામાં સક્રિય તત્વ તરીકે કેથર્ટિક એન્થ્રેક્સ-ગ્લાયકોસાઇડ્સ અને એલોઈન ૪.૫ થી ૨૫ % જેટલાં પ્રમાણમાં હોય છે. કુંવારપાઠાનો ઉપયોગ વિવિધ સૌંદર્ય પ્રસાધનો અને ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનમાં, રેચક અને સ્થુળતા વિરોધી દવાઓની તૈયારીમાં સક્રિય ઘટકો તરીકે, મોઇશ્ચરાઇઝર અને ઘા મટાડનાર તરીકે ખુબ જ બહોળા સ્તર ઉપર થાય છે. આ સિવાય, કુંવારપાઠામાંથી નિર્જલીકૃત પાવડર, કોન્સન્ટ્રેટ્સ જેવા અન્ય ઉત્પાદનો પણ તૈયાર કરવામાં આવે છે.

વતન અને વિતરણ:

કુંવારપાઠા જાતિના છોડ જૂના વિશ્વનાં છે અને તે પૂર્વ અને દક્ષિણ આફ્રિકા, કેનેરી ટાપુઓ અને સ્પેનના સ્વદેશી છે. કુંવારપાઠાની પ્રજાતિઓ ભૂમધ્ય તટપ્રદેશમાં ફેલાયેલી હતી અને ૧૬મી સદીમાં વેસ્ટ ઈન્ડિઝ, ભારત, ચીન અને અન્ય દેશોમાં પહોંચી અને હાલનાં સમયમાં, ખાસ કરીને દક્ષિણ અમેરિકાનાં ઉત્તર કિનારે આવેલા પશ્ચિમી ભારતીય ટાપુઓમાં અમુક પ્રજાતિઓ હવે આર્થિક અને વ્યાપારિક આશયથી ઉગાડવામાં આવે છે. ભારતમાં પણ કુંવારપાઠાની ખેતી કરવામાં આવે છે.

પ્રજાતિઓ:

 

ભારતમાં કુંવારપાઠાની ૨ અથવા ૩ સરળતાથી ઓળખી શકાય તેવી જાતો જોવા મળે છે, પરંતુ તેમની ચોક્કસ સીમાઓ સ્પષ્ટ નથી. દક્ષિણ ભારતમાં સમગ્ર પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ વચ્ચે એલો વેરા વેર. ચાઈનેંસિસ બકેર, સામાન્ય છે. તેના પાંદડાઓનો રંગ જાંબુડિયા હોય છે અને તે તીક્ષ્ણ હોતા નથી. મદ્રાસથી રામેશ્વરમ સુધીના દરિયાકિનારા એલો વેરા વેર. લિટોરાલિસ કોઇંગ એક્સ બકેર જોવા મળે છે અને તેના પાંદડા કદમાં નાના અને દાંતાદાર ધાર ધરાવતા હોય છે. જયારે કાઠિયાવાડનાં દરિયાકાંઠે એલો વેરા એબીસિનીકા ઉછરે છે, જે જાફરાબાદી કુંવારપાઠાનો સ્ત્રોત છે. એલો વેરા વેરીગેટા જે એલો વેરા ની નજીકની જ પ્રજાતિ છે તે મહારાષ્ટ્રનાં ઘણાં ભાગોમાં જોવા મળે છે. તેમાં મોટા, માંસલ, તીક્ષ્ણ કરોડરજ્જુવાળા લીલા પાંદડા હોય છે અને પાંદડાનાં પાયામાં સફેદ ડાઘ પણ હોય છે. ‘ગુજરાત આણંદ કુંવારપાઠું ૧’ આણંદ કૃષિ યુનીવર્સીટી દ્વારા વિકસાવવામાં આવેલી જાત છે.

જમીન:

કુંવારપાઠાનાં સખત સ્વભાવને કારણે છોડ વિવિધ પ્રકારની જમીન પર ઉગાડી શકાય છે.  તેનાં છોડને રેતાળ દરિયાકાંઠાની સાથે મેદાનોની ચીકણી જમીનમાં પણ સફળતાપૂર્વક વૃદ્ધિ પામતા જોઈ શકાય છે. તેને ૮.૫ સુધીની પીએચ માફક આવે છે. જોકે, પાણી ભરાયેલું રહે તેવી સ્થિતિ અને સમસ્યારૂપ જમીન તેની ખેતીને માફક આવતા નથી.

આબોહવા:

કુંવારપાઠુ વ્યાપક અનુકૂલન ક્ષમતા ધરાવે છે અને વિવિધ આબોહવાની પરિસ્થિતિઓમાં વિકાસ કરી શકે છે. તે હૂંફાળા ભેજવાળા અથવા સૂકા વાતાવરણ (૧૫૦-૨૦૦ સેમી થી ૩૫-૪0 સેમી) વાર્ષિક વરસાદમાં પણ ઉગી શકે છે. જોકે શુષ્ક પ્રદેશોમાં પાકને રક્ષણાત્મક સિંચાઈ આપવી જરૂરી બને છે. તેની વાવણી સામાન્ય રીતે માર્ચ અને જૂન માસની વચ્ચે થાય છે. 

સંવર્ધન:

સામાન્ય રીતે ગાંઠો અને પીલાઓ દ્વારા તેનુ સંવર્ધન કરવામાં આવે છે. આ હેતુ માટે, મધ્યમ કદના પીલાઓને પસંદ કરવામાં આવે છે અને મૂળ છોડને નુકસાન પહોંચાડ્યા વિના કાળજીપૂર્વક પીલાઓને ખોદવામાં આવે છે. તેના પછી છોડને સીધો જમીનમાં રોપવામાં આવે છે. તેનું સંવર્ધન ગાંઠો દ્વારા પણ કરી શકાય છે. આ કિસ્સામાં પાકની લણણી પછી, ભૂગર્ભ ગાંઠો ખોદવામાં આવે છે અને ૫-૬ સે.મી.ની લંબાઈમાં કાપવામાં આવે છે, જેની પર ઓછામાં ઓછી ૨-૩ આખો હોવી જોઈએ. તે ખાસ તૈયાર કરેલ રેતીના ક્યારામાં અથવા પાત્રમાં સંવર્ધન માટે રાખવામાં આવે છે અને ત્યારબાદ તે અંકુરિત થવાનું શરૂ કરે છે. અંકુરિત થયા પછી છોડને રોપણી માટે તૈયાર માનવામાં આવે છે.

No tags to search

વાવેતર:

ચોમાસાની શરૂઆત અને નાના ચાસ ખોલતા પહેલા જ ખેતરને સારી રીતે તૈયાર કરી લેવું જોઈએ. લગભગ ૧૫-૧૮ સેમી લાંબા પીલાઓ અથવા ગાંઠોને ૬૦ × ૪૫ અથવા ૯૦ × ૯૦ સેમીના અંતરે એવી રીતે રોપવામાં આવે છે કે રોપણી સામગ્રીનો બે તૃતીયાંશ ભાગ જમીનની નીચે હોવો જોઈએ. આશરે ૧૦,૦૦૦ પીલાઓ ૧ હેક્ટર જમીનની વાવણી માટે પૂરતા હોય છે.

ખાતર:

કુંવારપાઠુ એક નવો પ્રચલિત થતો પાક છે અને તેની ખાતરની જરૂરિયાતો સહિતની સંપૂર્ણ ઉત્પાદન ટેકનોલોજી/માહિતી પર કામ કરવાનું હજુ બાકી છે. નાઈટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસના ૧૫૦ કિ.ગ્રા./હેક્ટરના મિશ્રણનો ઉપયોગ કરીને, છોડની સ્થાપના પછી, મૂળ નજીક ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે.

પિયત અને નીંદણ:

વાવેતર પછી તરત જ પિયત આપવી જરુરી હોય છે. પાકના સમયગાળા દરમિયાન, જ્યારે પણ જરૂર પડે ત્યારે ભેજની સ્થિતિ અનુસાર પિયત આપવી જોઈએ. સામાન્યરીતે, દર વર્ષે ૪ થી ૫ પિયત પૂરતી હોય છે. જોકે, છોડની નજીક પાણીને સ્થિર થવા દેવું/ભરાવો થવા દેવો જોઈએ નહીં. નીંદણ દ્વારા જમીનને નીંદણમુક્ત રાખવામાં આવે છે.

No tags to search

લણણી અને ઉપજ:

લગભગ ૮ મહિના પછી, કુંવારપાઠાના પાંદડા લણણી માટે તૈયાર થઈ જતા હોય છે. લણણી કરતી વખતે, છોડને મજુરો દ્રારા લણી શકાય છે. જમીનમાં તૂટેલી ગાંઠોને પછીના પાકને ઉછેરવા માટે વાપરી શકાય છે.  કુંવારપાઠાનું વાવેતર બીજા વર્ષથી અને ૫ વર્ષ સુધી વ્યવસાયિક ઉપજ આપે છે. તે પછી, તેને આર્થિક ઉપજ માટે પુનઃવાવણીની જરૂર પડે છે. હેક્ટરમાંથી તાજા વજનના આધારે આશરે ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ કિ.ગ્રા. સરેરાશ પાકની ઉપજ મેળવી શકાય છે.

No tags to search

મૂલ્યવર્ધન:

કુંવારપાઠાની જેલને અલગ પાડવા માટે, તેનાં કાંટાને દૂર કર્યા પછી બાકી રહેલા પાંદડાઓનો ભાગ ખુલ્લો કાપી નાખવામાં આવે છે અને તેમના મ્યુસિલેજને એક મંદ ધારવાળી છરી વડે બહાર કાઢી નાખવામાં આવે છે. આ મ્યુસીલેજને બ્લેન્ડરમાં ફેરવવામાં આવે છે અને તેને એક સમાન દ્રાવણ બનાવવામાં આવે છે. ત્યાર પછી તેને મલમલના કપડાથી ગાળીને ફિલ્ટર કરવામાં આવે છે. જેલમાં ધીમે ધીમે એસીટોન ઉમેરીને અર્કમાંથી બહાર કાઢવામાં આવે છે. જેલ કેન્દ્રીકરણ પ્રક્રિયા દ્વારા કાઢવામાં આવે છે અને પછી આછા ગરમ પાણીમાં ઓગાળવામાં આવે છે. છેલ્લે તેને ઊંચા તાપમાને સૂકવવામાં આવે છે અને વજન કરીને પેકિંગ કરી દેવાય છે. આ જેલનો મુખ્યતઃ વ્યાપક ઉપયોગ ચર્મરોગોમાં કરવામાં આવે છે.

 

aloe vera
aloe vera

No tags to search

રોગ અને જીવાત:

કુંવારપાઠામાં મુખ્ય જીવાત મીલી બગ અને મુખ્ય રોગ પાનનાં ડાઘ, પાનનો સડો અને કાલવર્ણ છે.

 

Diseases and pests
Diseases and pests

No tags to search

નિયંત્રણ:

૧. મીલી બગના નિયંત્રણ માટે ૨ મિ.લી. રપાયરીફોસ ૧ લિટર પાણીમાં ભેળવી સ્પ્રે કરવો જોઈએ.

૨. પાનનો સડો અને કાલવર્ણના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૨ ગ્રામ પ્રતિ લીટર સાથે બાવિસ્ટીન ૧૦ ગ્રામનો પાક પર છંટકાવ કરવો જોઈએ અને ૧૦ દિવસના અંતરે પુનરાવર્તિત કરવું જોઈએ.

૩. સાપ્તાહિક અંતરે ૦.૨ % મેન્કોઝેબનો છંટકાવ કરીને પાનના ડાઘને નિયંત્રિત કરી શકાય છે.

આ પણ વાંચો:સારા ઉત્પાદન માટે બિયારણને લગતી આ કાળજી હવે વિશેષ જરૂરી બની છે

 

ભાર્ગવ બી. નારિયા અને હર્ષ એસ. હાથી

બાગાયત મહાવિદ્યાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનીવર્સીટી, જગદુણ, ૩૮૪૪૬૦.

-મેઈલ: harsh.hathi9999@gmail.com                 મોબાઈલ નંબર: 9512509698

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More