ભારત દેશ પ્રાચીન કાળથી ઉચ્ચ્તમ ગુણવત્તા ધરાવતા મસાલા પાકોના વાવેતર, ઉત્પાદન અને નિકાસમાં વિશ્ર્વમાં મોખરાનું સ્થાન ધરાવતો હોવાથી ભારતને ‘મસાલાનું ઘર’ તરીકે ઓળખવામાં આવે છે. બીજ મસાલા પાકોમાં ખાતર, પાણી અને મજુરની ઓછી જરૂરીયાત તથા ઉંચી વેચાણ કિંમતના કારણે આ પાકો ઓછા જથ્થામાં વધુ આવક આપતા પાકો છે. નિકાસમાં થયેલ વધારો, ઉંચી નફાકારકતા અને ઓછી મહેનતના કારણે આ પાકોનો વાવેતર વિસ્તાર અને માંગમાં પ્રતિવર્ષ વધારો થતો જાય છે. આથી ગુજરાતના ખેડુતો મસાલા પાકોનું ઉત્પાદન તો કરી જાણે છે. પરંતુ જો ખેડુતો આ પાકોમાં ગુણવતાયુકત ઉત્પાદન લઈ તેનું યોગ્ય રીતે વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન કરે તો મસાલા પાકોમાં નિકાસલક્ષી બજારભાવ મેળવી વધુ આર્થીક વળતર મેળવી શકે તેમ છે.
નિકાસલક્ષી મસાલા પાકોમાં ગુણવતાયુકત સારૂં ઉત્પાદન લેવાના મુખ્ય તબક્કાઓ.
(૧) કાપણી
મસાલા પાકોમાં નિકાસલક્ષી ઉત્પાદનનો આધાર દાણા (બીજ)ની ગુણવતા પર નિર્ભર છે.
(ક) આંતરીક ગુણવતા
- બીજમાં રહેલ સુગંધીત ઉડ્ડયનશીલ તેલની ટકાવારી
- બીજમાં રહેલ આફલાટોક્ષીન તેમજ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા
- બીજમાં રહેલ રાસાયણિક દવાના અવશેષો
(ખ) બાહ્ય ગુણવત્તા
- બીજનું કદ, આકાર, ચમક, ચોખ્ખાઇ, મરેલા કીટકો, પ્રાણીના અવશેષો અને તેનું મળમૂત્ર તેમજ અન્ય અશુદ્દિઓ
- સામાન્ય રીતે મસાલા પાકોમાં કાપણી દેહધાર્મિક પરિપકવ અવસ્થાએ એટલે કે વરિયાળી તેમજ ધાણા જેવા
પાકોમાં દાણા (બીજ) નો રંગ લીલાશ પડતો પીળો તેમજ જીરૂ અને સુવા પાકોમાં દાણો લીલાશ પડતો ભુખરા
રંગનો થાય ત્યારે કરવામાં આવે છે. આ અવસ્થાએ દાણાનો સંપૂર્ણપણે વિકાસ થયેલો હોવાથી દાણામાં સારી
ગુણવતા તથા યોગ્ય રંગના કારણે મહતમ આર્થિક ફાયદો મળે છે.
- કાપણી વખતે પાકની સાથે રોગિષ્ટ અને નીંદણના છોડ કે માટી ના આવે તેની ખાસ કાળજી રાખવી.
- નિકાસ માટે નડતરરૂપ એવા રાસાયણિક દવાઓના નિવારણ માટે કાપણીના ૨૦ થી ૨૫ દિવસ પહેલા કોઇપણ
જાતની રાસાયણિક દવાઓના છંટકાવ કરવો નહી.
(૨) સૂકવણી
- મસાલા પાકોમાં કાપણી બાદ દાણા(બીજ)માં વધુ પડતો ભેજ ન રહે તેમજ દાણાનો મુળ રંગ જાળવી રાખવો ગુણવત્તા માટે ખૂબ જ જરૂરી અને આવશયક પણ છે.
- મોટા ભાગના મસાલા પાકોની સૂકવણી છાંયડામાં કરવામાં આવતી હોવાથી ઘણી વખત દાણામાં વધુ ભેજના લીધે ફૂગ લાગવાથી દાણા કાળા પડે છે અને જલ્દી સડી જાય છે અને જો વધુ પડતી સૂકવણી થાય તો રંગ ઉડી જવાથી માલ ફિક્કો પડે છે તેમજ દાણા(બીજ) વધુ બરડ થવાને લીધે ભાંગી જવાનો પ્રશ્ર્ન થાય છે અને સુગંધીત તેલ અને પ્રજીવકો નાશ પામે છે.
- આ બધી મુશકેલીઓ નિવારવા હંમેશા મસાલા પાકોના દાણાની સૂકવણી છાંયડામાં હવાની અવરજવર રહે તે રીતે કરવી જોઈએ જેથી જલ્દીથી સૂકાઈ જાય તથા દાણાનો એકસરખો કલર જળવાઈ રહે. ખાસ કરીને વરિયાળીના ચકરોની કાપણી બાદ ચકરોને ચારે બાજુથી તેમજ ઉપરથી પણ પેક હોય તેવા માંચડા પર અથવા પવનની અવરજવર થાય તેવા ઓરડામાં દોરી પર ચકરોને લટકાવીને સૂકવણી કરવામાં આવે છે.
(૩) થ્રેસિંગ
- મસાલા પાકોનું થ્રેસિંગ હંમેશા પાકા ખળામાં તેમજ દાણા (બીજ) માં ૧૦% ભેજનું પ્રમાણ હોય ત્યારે કરવું જોઇએ. લીપણવાળું કે કાચા ખળા માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકાય.
- પગરની કામગીરી પશુઓથી ના કરતાં ધીમી ગતિથી ચાલતા ડ્ર્મ (સિલીન્ડર) વાળા તથા ડબલ બ્લોઅર સાથેના સુધારેલ થ્રેસરનો ઉપયોગ કરવાથી દાણા ચોખ્ખા અને તૂટવાનું પ્રમાણ ઓછું થાય છે.
- થ્રેસિંગ કર્યા બાદ પણ ૫ થી ૭ % જેટલી ભૌતિક અશુધ્ધિઓ જેવી કે કાંકરા, રેતી, તૂટેલા દાણા અને પક્ષીઓની હઘાર રહી જાય છે. આવો માલ બજારમાં મૂકતાં કિંમત ઓછી ઉપજે છે.
- જો ખેડૂતો આવા માલને પ્રોસેસિંગ યુનિટ કે જેમાં એર કલીનર કમ ગ્રેડર તથા સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટર હોય જેના ઉપયોગથી બીજની શુધ્ધતામાં વધારો થવાથી વેચાણ માટે બજારમાં લઇ જઇ ઊંચી કિંમત ઉપજાવી શકાય છે.
- થ્રેસિંગ કર્યા બાદ સ્કેલપિંગ, સોર્ટિંગ અને ગ્રેડિંગ કરવામાં આવે.
૧. સ્કેલપિંગ- દાણાની સાઈઝ કરતાં મોટી સાઇઝની અશુધ્દ્રિઓ દૂર કરવા માટેની પ્રક્રિયા.
૨. સોર્ટિંગ- સફાઇ થયેલ ખેતપેદાશની કદ, આકાર, વજન, રંગ અને બંધારણ (કલર સોર્ટિંગ) ને આધારે
ગુણવત્તા મુજબ અલગ કરવાની પ્રક્રિયા.
૩. ગ્રેડિંગ- સોર્ટિંગ બાદ વ્યાપારી ધોરણે અલગ અલગ ગ્રેડમાં મૂલ્ય અને ઉપયોગના આધારે વહેંચવાની
પ્રક્રિયા.
(૪) સંગ્રહ
- સંગ્રહ માટેની જગ્યા સૂકી અને ઠંડી, જીવાતો અને ઉંદરો મુકત તેમજ જરૂરી હોય તો ધૂમિકરણ કરી શકાય તેવી સગવડતાવાળી હોવી જોઇએ.
- સંગ્રહ દરમ્યાન દાણાની સાથે દવા કે ખાતરનો સંગ્રહ ના કરવો જોઇએ.
- સંગ્રહ સ્થાનમાં ભેજ અને તાપમાનના નિયમન માટે એક્ઝોસ્ટ ફેન/ વેન્ટિલેટરની વ્યવસ્થા હોવી જોઇએ.
- જૂના કોથળા, કાપડને કોથળી, પાત્ર વાપરતા પહેલાં તેની સાફસફાઇ તેમજ ધૂમિકરણ કરવું જોઇએ.
- ભેજથી બચવા તળિયા ઉપર રેતીનો થર કરી ચારે બાજુની દિવાલથી બે ફૂટ દુર કોથળા ગોઠવવા જોઇએ.
(૫) મૂલ્ય વર્ધન
મસાલા પાકોનું પ્રોસેસીંગ- મસાલાના પાકોને સાફ સફાઈ અને ગ્રેડીંગ કરી, મસાલામાં ફેરવી વ્યંજન તરીકે
વાપરવા ઉપરાંત તેમાંથી ઓલીયોરેઝીન કે ઉડીયનશીલ તેલ ખેંચી તેમાંથી વધારાની આવક મેળવી શકાય છે.
મસાલાના પાકની ગુણવતાનું મૂલ્યાંકન કરતું મુખ્ય પરિબળ તેની સુગંધયુકત સ્વાદ/ખુશ્બુ કે જે તેના ઉડયનશીલ તેલ
(વોલેટાઇલ ઓઇલ) ના પ્રમાણ અને તેના બંધારણ ઉપર રહેલા છે. જેથી પ્રોસેસીંગ દરમિયાનમાં તેમાં ફેરફાર ન થાય
તે અગત્યનું છે.
(૧) દાણાનું ગ્રેડિંગ અને પોલીશ:-
જીરૂ અને વરિયાળીના દાણાઓને જુદી જુદી સાઇઝના ચારણામાંથી પસાર કરી
કદ પ્રમાણે ભરાવદાર પૂર્ણ વિકસેલ મોટા, મધ્યમ અને અપરિપકવ-હલકા અને ઝીણા દાણાને અલગ કર્યા બાદ
પોલીશ કરવાથી દાણા પાતળા, ચોખ્ખા અને ચળકાટ મારતા હોય જેથી તેના મૂલ્યમાં વ્રુધ્ધિ થાય છે.
(૨) સુગંધિત તેલ:-
મસાલા પાકોના દાણામાંથી ઉડ્યનશીલ સુગંધીદાર તેલનું પ્રમાણ જુદી જુદી માત્રામાં હોય છે
જે દવાની બનાવટ તેમજ ખોરાકની બનાવટમાં સુગંધ ઉમેરવા માટે ખૂબ જ ઉપયોગી છે જેથી તેનો
બજારભાવ ઊંચો રહે છે. મસાલા પાકોના દાણામાંથી તેલ કાઢયા બાદ ખાસ કરીને જીરૂ અને વરિયાળીના
દાણાઓના ભૂકો તેમજ નાના ટુકડાને પશુ તથા મરઘાંના આહાર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
(૩) ઓલીયોરેઝીન:-
ઓલીયોરેઝીન એ એવો સાંદ્રિત સ્નિગ્ધ અને ચીકણો પદાર્થ છે જેમાં જે તે મસાલાની બધીજ
સુવાસ તાજી, અસલી અને કડક હોય છે જે આર્થીક રીતે પોષાય તેવા મસાલાની સુવાસ આપતો પદાર્થ છે,
ઓલીયોરેઝીન જે તે મસાલાનો ચીકણો ગુંદર જેવો પદાર્થ અને તેને લગતા સંયોજનો, ચરબી, ઉડ્યનશીલ
તેલ રંગ સાથે મિશ્રણ કરી બનાવવામાં આવે છે.ઓલીયોરેઝીન એકદમ શુધ્ધ જીવાણું અને ઉત્સેચક મુકત અને જે
તે મસાલાની સુવાસ માટે પ્રામાણિત અને પુરતા પ્રમાણમાં એન્ટીઓકસીડેન્ટ હોય છે. તેથી ફુગ લાગવાની
સંભાવના ન રહેતી હોવાથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. તેમજ તેની વિકસીત દેશોમાં ખુબજ વધારે
માંગ હોવાથી તેની નિકાસની તકો વધારી સારી આવક મેળવી શકાય છે.
(૪) કરી પાઉડર:-
કરી પાઉડર એ જુદા જુદા મસાલાનું અલગ અલગ માત્રાનું સ્વાદીષ્ટ મિશ્રણ છે જે ખોરાક ને
સ્વાદીષ્ટ, સુંગધીત અને સુપાચ્ય બનાવે છે. કરી પાઉડરમાં જુદા જુદા મસાલાઓ તેમજ મીઠા અને મેદાનું
મિશ્રણ હોય છે જેમાં મસાલાનું પ્રમાણ ૮૫% મેદાનું પ્રમાણ ૧૦% અને મીઠાનું પ્રમાણ ૫૦% વધુ ના
હોવું જોઇએ. કરી પાઉડરની માંગ બીજ મસાલામાં આયાત કરતા દેશોમાં હોવાની નિકાસ વધારી મસાલાની
મૂલ્ય વ્રુધ્ધિ કરી શકાય.
(૫) ધાણા અને જીરૂ નો પાઉડર:-
વરિયાળી, ધાણા અને જીરૂ અથવા ધાણા અને જીરૂ બન્નેના મિશ્રણનો
રોજબરોજના વપરાશમાં ખુબજ વધારો જોવા મળે છે. જેથી વરિયાળી, ધાણા કે જીરૂનો પાઉડર બનાવતી
વખતે તેમાં પોષક તત્વો અને સુવાસ સચવાઇ રહે તે રીતે દળવું જોઇએ. આ માટે નીચા તાપમાનમાં કામ
કરતી ઘંટી(ક્રાયોજેનીક ગ્રાઇન્ડિંગ) માં દળવું જોઇએ. આ પાઉડર ઓછા તાપમાને પેંકીગ કરી યોગ્ય જગ્યાએ
સંગ્રહ કરવાથી પાઉડરનો બજારમાં વધારે ભાવ મેળવી શકાય છે.
(૬) મુખવાસ:-
પોલીસ કરેલા વરિયાળીના દાણા કે સુવાના દાણા ને મુખવાસ તરીકે ઉપયોગ કરવાથી મૂલ્ય વ્રુધ્ધિ
કરી શકાય હોટલ અને રેસ્ટોરન્ટમાં વરિયાળીનો ઉપયોગ મુખવાસ તરીકે થાય છે જે માટે પોલીસ કરેલા
દાણાઓ ઉપર ખાંડની યોગ્ય માત્રાની ચાસણી બનાવી છંટકાવ કરી સુકવી અને રોસ્ટીંગ કરવામાં આવેછે.
No tags to search
-
મૂલ્ય વૃધ્ધિના ફાયદાઓ
૧. ઉચ્ચ ગુણવત્તાવાળી પેદાશો મળે છે.
૨. આર્થિક વળતર વધુ મળે છે.
૩. પોસ્ટ હાર્વેસ્ટ બગાડ અટકાવી શકાય છે.
૪. પેદાશોની સંગ્રહ શકિતમાં વધારો થાય છે.
૫. પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ તથા આકર્ષક બને છે.
૬. મૂલ્ય વર્ધક યુનિટો (કૃષિ ઉધોગો) દ્ર્ર્રારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે.
૭. મસાલા પાકોની જુદી જુદી મૂલ્યવર્ધિત બનાવટો નિકાસ કરી વિદેશી હૂંડિયામણ કમાઈ શકાય છે.
૮. ઉપજના વધારે ભાવો મળવાથી ગ્રામ્ય સ્તરે સામાજિક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે.
(૬) પેંકીગ
મસાલા પાકોને લાબા સમય સંગ્રહ કરવા માટે તેમજ મસાલાની સુંગધ અને રંગ જળવાઇ રહે તે માટે પ્લાસ્ટીક બેગ કે
અસ્તરવાળા શણના કોથળામાં રાખવા જોઇએ અથવા કંતાનના કોથાળમાં પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી માલ સંગ્રહ
કરવો.
વ્યાપારી મસાલા પાકોની મૂલ્ય વર્ધીત બનાવટના આકર્ષક પેંકીગની માહિતી કોઠામાં દર્શાવેલ છે.
બનાવટ |
પેંકીગ |
ગ્રેડીંગ, પોલીસ કરેલ મસાલા |
સ્ટેન્ડીંગ પાઉચ, પાઉચ |
મસાલા પાઉડર |
સ્ટેન્ડીંગ પાઉચ, બોક્ષ, પાઉચ |
કરી પાઉડર |
સ્ટેન્ડીંગ પાઉચ, બોક્ષ, પાઉચ |
ઉડ્યનશીલ તેલ |
કાચની બોટલ, ફુડ ગ્રેડ, પ્લાસ્ટીક બોટલ |
ઓલીયોરેઝીન |
કાચની બોટલ, ફુડ ગ્રેડ, પ્લાસ્ટીક બોટલ |
વિવિધ પ્રાકરના અર્ક |
કાચની બોટલ, ફુડ ગ્રેડ, પ્લાસ્ટીક બોટલ |
કટકાના સ્વરૂપમાં, પેસ્ટ સ્વરૂપમાં, આરોગ્યપ્રદ બનાવટના સ્વરૂપમાં, કુદરતી કલર કે રસાયણના સ્વરૂપમાં |
|
નોંધ- પેંકીગ મટીરીયલ હંમેશા સ્ટાન્ડર્ડ અને માન્યતા પ્રાપ્ત થયેલું હોવુ જોઇએ. |
બનાવટ |
ઉપયોગ |
ગ્રેડિંગ અને પોલિશ કરેલ મસાલા |
જુદી જુદી ખાધ બનાવટો રોજીંદા ઘર વપરાશમાં |
મસાલા પાઉડર |
બધા જ ખાધ પદાર્થોમાં સુગંધ અને સ્વાદ લાવવા, બધાજ સલાડ શાકભાજીમાં બ્રેડ, સુપ, કેકે વગેરેમાં |
કરી પાઉડર |
ખોરાકને સ્વાદિષ્ટ, સુપાચ્ય અને સુગંધિત બનાવવા માટે તથા તંદુરી ચીકન, માછલી અને શાકભાજીમાં |
ઉડ્યનશીલ સુગંધિત તેલ |
ખોરાકમાં જરૂરી સ્વાદ સુગંધ અને સોડમ ઉમેરવા, સુગંધિત અત્તરો અને સાબુ તેમજ કોસ્મેટીક બનાવટ તથા આયુર્વેદિક દવા બનાવવામાં વપરાય |
ઓલીયોરેઝીન |
સ્કોવશ, માંસ, ડબ્બાબંધ ખોરાક, સુપ, ચટણી, ચીઝ, ડેરી અને બેકરીની બનાવટો, નાસ્તા તથા પીણા બનાવવા માટે |
વિવિધ પ્રકારના અર્ક |
પાણીમાં દ્રાવ્ય અર્કનો ઉપયોગ જુદાજુદા પીણાની બનાવટ, તેલ/ચરબીના દ્રાવ્ય અર્કનો ઉપયોગ સુપમાં, સોસની બનાવટમાં, સૂકા અને રાંધેલ ખોરાકમાં ઉપરથી આપવા માટે, કેપ્સ્યુલ અને બેકરી બનાવટમાં ઉપયોગી |
આ પણ વાંચો:આદુ પાવડરનો છંટકાવ, આદુ પાવડર કેવી રીતે તૈયાર કરવો તેની સમગ્ર પ્રક્રિયાને જાણો
શ્રી. એમ. પી. ચૌધરી (મદદનીશ પ્રાધ્યાપક)
કૃષિ મહાવિદ્યાલય, થરાદ
Share your comments