આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને રાજ્યના મોટાભાગના લોકો શાકાહારી છે. તેમના દૈનિક ખોરાકમાં મુખ્યત્વે શર્કરાયુક્ત પદાર્થો હોય છે જેથી ખોરાકમાં પ્રોટીનની ઉણપને લીધે શક્તિ અને તંદુરસ્તીને માઠી અસર થાય છે. આપણા દૈનિક ખોરાકમાં દરરોજ ૮૦ થી ૧૦૦ ગ્રામ કઠોળ લેવા જોઈએ જે શક્તિ અને તંદુરસ્તી માટે જરૂરી એવા પ્રોટીન તત્વોથી ભરપુર છે. જયારે અત્યારે આપણે દૈનિક ખોરાકમાં ૩૨ ગ્રામ કઠોળ લઈએ છીએ, જે બહુ જ ઓછું કહી શકાય. મગનું ઉત્પાદન ઘટવા માટે ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે જે પૈકી કીટકો દ્વારા પણ ઘણું બધુ નુકસાન થાય છે. ચોમાસું મગના પાકમાં વિવિધ જીવાતો જેવી કે ટપકાવાળી ઈયળ, સફેદમાખી,લીલા તડતડીયા, થ્રીપ્સ, મોલો-મશી અને પાન કથીરીનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
ટપકાવાળી ઈયળ
ઓળખ:-આ જીવાતની માદા ફૂંદી ફૂલ, કળી અથવા પાન પર એકલદોકલ ઈંડા મુકે છે. આ ઈંડા પીળાશ પડતા હોય છે. ઈયળ ૧૪ મી.મી. લંબાઈની અને લીલાશ પડતા રંગના હોય છે તથા તેની પૃષ્ઠ,પાશ્વ અને વક્ષ બાજુએ કાળા રંગના ટપકા જોવા મળે છે. ઈયળો જુદી જુદી ૫ અવસ્થાઓમાંથી પસાર થઇ પૂર્ણ વિકસિત બને છે. કોશેટા અવસ્થા જાળાની અંદર કે જમીન પર રેશમી જાળામાં બનાવે છે. કોશેટા રંગે પીળાશ પડતા લીલા હોય છે. પુખ્ત ફૂંદી મધ્યમ કદની,બદામી રંગની અને પાંખની પ્રથમ જોડ સફેદ રાખોડી પટ્ટા ધરાવે છે તથા પાછળની પાંખો અર્ધ પારદર્શક હોય છે.
નુકસાન:ઈયળ અવસ્થા ફૂલ, કળી તથા શીંગોને ભેગી કરી જાળું બનાવી દે છે અને આ જાળામાં અંદર રહી દાણા ખાય છે. શીંગમાં દાખલ થવાના છિદ્રને હગારથી પૂરી દે છે.પરિણામે દાણા ખાવા લાયક રહેતા નથી તેમજ તેમની ગુણવતા ખરાબ કરે છે.
સફેદમાખી
ઓળખ:- પુખ્ત સફેદમાખી ૧ મી.મી. જેટલી લાંબી હોય છે. તેની પાંખો અર્ધપારદર્શક હોય છે જેના પર સફેદ મીણના પાવડરનો છંટકાવ કર્યો હોય તેવી હોવાથી તે દુધિયા સફેદ રંગની દેખાય છે. માદા પાનની નીચેની બાજુએ સફેદ રંગના ગોળ ઈંડાં છૂટાછવાયાં કે સમૂહમાં મૂકે છે.
નુકસાન:બચ્ચાઅને પુખ્ત પાનની નીચેની સપાટીએ રહી મુખાંગો ખોસી રસ ચૂસે છે. વધુ પડતો ઉપદ્રવ વખતે રસ ચૂસાતાં પાન કોકડાઇ જાય છે. મગમાં પીળો પચરંગીયો (મોઝેક)ના વિષાણુંજન્ય રોગ ફેલાવવામાં સફેદમાખી અગત્યનો ભાગ ભજવે છે.બચ્ચા પોતાના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ કાઢે છે. જેનાં લીધે છોડ દૂરથી ચળકતો દેખાય છે. આ મધ જેવા પદાર્થ પર કાળી ફૂગની વૃધ્ધિ થાય છે. જે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ પેદા કરે છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.
લીલા તડતડીયા
ઓળખ:- બચ્ચાં તેમજ પુખ્ત આછા લીલા રંગના અને ફાચર આકારમાં હોય છે અને ત્રાંસા ચાલે છે. છોડને સહેજ હલાવતા પુખ્ત ઉડે છે. બચ્ચાને પાંખો હોતી નથી. માદા પાનની નીચેની સપાટીએ નસની અંદર પોતાના ઓવીપોજીટર ખોચીને ઈંડા મુકતી હોય છે.બચ્ચાં તેમજ પુખ્ત પાનની નીચે તેમજ ઉપર રહી રસ ચૂસે છે. પરીણામે પાનની કિનારીઓ પીળી પડી જાય છે અને પાન વળીને કોડીયા જેવા થઈ જાય છે. વધુ પડતાં ઉપદ્રવને લીધે પાન “તામ્રવર્ણા” થઈ સુકાવા લાગે છે અને અંતે ખરી પડે છે.
થ્રીપ્સ
ઓળખ:- બચ્ચાં અને પુખ્ત કાળા રંગના અને આશરે ૧ મી.મી. લંબાઈના હોય છે.
નુકસાન:- બચ્ચાં અને પુખ્ત અવસ્થા પાન ઉપરાંત ફૂલ અને કળીઓમાં ઘસરકા પાડી તેમાંથી નીકળતું પ્રવાહી ચૂસે છે. પાન કોક્ડાયેલા રહે છે. છોડનો વિકાસ થતો નથી આ ઉપરાંત ફૂલ અને કળીઓફલીનીકરણના અભાવે સૂકાઈને ખરી પડે છે અને ઉત્પાદન પર સીધી અસર પડે છે.
પાન કથીરી
ઓળખ:- બચ્ચાં પીળા કે નારંગી રંગના હોય છે. પુખ્ત લાલ રંગના હોય છે અને ચાર જોડ પગ ધરાવે છે
નુકસાન:-પાનની નીચેની સપાટીએ રહીને પાનમાંથી રસ ચૂસે છે. પાન પર પીળાશ પડતા ધાબા દેખાય છે તેમજ પાનની નીચેની સપાટી પર કરોળીયાની માફક ઝાળા બનાવે છે. વધુ ઉપદ્રવમાં પાન પીળા પડી છેવટે સુકાયને ખરી પડે છે.
મોલો-મશી
ઓળખ:બચ્ચાં અને પુખ્ત કાળાશ પડતા રંગના અને તેનાં શરીરનાં પાછળનાં ભાગમાંથી ટ્યુબ ((કોર્નિકલ્સ જેવા બે ભાગ બહાર દેખાય છે. મોલો કદમાં ૧-૨ મી.મી. લાંબી, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે.મોસમના અંત ભાગમાં અથવા પાક પરિપક્વ થવાના દિવસોમાં તેને પારદર્શક પાંખો ફૂટે છે. જેનાથી તે સ્થળાંતર કરે છે.
નુકસાન:મોલોની અસંખ્ય કોલોની છોડની કુમળી ડાળી, પાન અને શિંગો પર ચોંટેલી જોવા મળે છે.બચ્ચાં તેમજ પુખ્ત કુમળી ડૂંખોમાંથી રસ ચૂસે છે. પરિણામે પાન પીળા પડી જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે. વધુ પડતો ઉપદ્રવ હોય તો છોડની ટોચ અને શિંગો કોકડાઇ જાય છે, જેની ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે. મોલો પોતાના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ બહાર કાઢે છે, જે પાંદડાની સપાટી પર ચોંટે છે અને પાન ચળકતા દેખાય છે.આ પદાર્થ પર કાળી ફૂગ સ્થિર થઇ વૃધ્ધિ પામે છે. જેના લીધે આખા છોડ કાળા રંગના દેખાય છે. પાન કાળા થઇ જતાં પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ ઊભો થાય છે.
સંકલિતવ્યવસ્થાપન:
- ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલા ઈયળના કોશેટા ઉપર આવશે અને સૂર્યના તાપથી કે પરભક્ષી પક્ષીઓ દ્વારા નાશ પામશે.
- પ્રતિકારક જાતો જેવીકે,જીએએમ-૫ અથવા જીએએમ-૮ અથવા મેહા નું વાવેતર કરવું.
- ખેતરમાં પીળા ચીકણા પીંજર (Yellow sticky trap)લગાવવાથી મોલો તેમજ સફેદ માખી જેવી જીવાતોના ઉપદ્રવની જાણકારી મેળવી શકાય છે.
- ખેતરમાં ચુસીયા પ્રકારની જીવાતના ઉપદ્રવની સાથે જ કુદરતી રીતે તેનાં પરભક્ષી કીટક ડાળીયાં (લેડીબર્ડ બીટલ) પણ આવે છે. જેનાં પુખ્ત તેમજ ઇયળ (કાળા રંગની પીળાં પટ્ટાવાળી) મોલો/ અન્ય ચુસીયા પ્રકારની જીવાતોને ખાઇ જઇ વસ્તીમાં ઘટાડો કરે છે. આ સમયે દવાનો છંટકાવ ટાળવો જોઈએ. આ ઉપરાંત પરભક્ષી ક્રાયસોપાની ઇયળ પણ મોલોનું ભક્ષણ કરી તેનું નિયંત્રણ કરે છે.
- લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૪૦ મિ.લિ.(૧૫૦૦ પીપીએમ) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
- વધુ ઉપદ્રવ જણાય તો રાસાયણિક જંતુનાશક દવા જેવી કે મોનોક્રોટોફોસ ૩૬% એસ એલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી ટપકાવાળી ઈયળના ઉપદ્રવને કાબુમાં લાવી શકાય છે.
આ પણ વાંચો:“ બાયોચાર: જમીનની ટકાઉપણું, દૂષણ નિયંત્રણ અને કૃષિ ઉત્પાદન માટેનો કાળો હીરો”
Share your comments