કીટક જગતમાં ઉધઈ કૃષિ અને બાગાયતી પાકોમાં નુકસાન કરવા ઉપરાંત લાકડામાંથી બનાવેલ ચીજવસ્તુઓ તેમજ કપડાં, પુસ્તકો વગેરેમાં નુકસાન પહોંચાડે છે. ઉધઈનો વ્યાપ ઉષ્ણ અને સમશીતોષ્ણમાં તથા શીત કટિબંધના તમામ વિસ્તારમાં નોંધાયેલ છે. આમ, ઉધઈનું એકચક્રી શાસન વિશ્વભરમાં વ્યાપેલું છે. જેના કારણોમાં ઉધઈએ કેળવેલ સુદ્રઢ સામાજિક વ્યવસ્થા, બહુરૂપી શરીર રચના, સહકારના સિદ્ધાંતો સાથેનું પ્રવૃતિમય જીવન, તેમજ અનેક કૃષિપાકો પર જીવન વ્યતીત કરવાની ક્ષમતાવાળી ખાસિયતો મુખ્ય છે.
ઉધઈ એક બહુભોજીય જીવાત છે. ભારતમાં ૨૭૦ જેટલી ઉધઈની જાતો જોવા મળે છે. તે પૈકી ૪૦ જેટલી જાતો પાકને આર્થિક રીતે નુકસાન કરે છે. રેતાળ, ગોરાડું કે હલકા પ્રકારની જમીનમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આમ, ઉધઈ એ ખેડૂતો માટે મોટા પડકારરૂપ જીવાત છે.
ઉધઈ પીળાશ પડતા સફેદ રંગનું કીટક છે તે ચાવીને ખાનાર મુખાંગો ધરાવતું બહુભોજી કીટક છે તે રાફડો બનાવીને રહે છે. ઉધઈના કુટુંબમાં ચાર પ્રકાર હોય છે રાજા, રાણી, મજુર અને રક્ષક. રાફડામાં સામાન્ય રીતે એક જ રાણી, રાજા, ૮૦ થી ૯૦ ટકા મજુરો, ૨ થી ૩ ટકા સૈનિકો અને ૫ થી ૭ ટકા કુંવર-કુંવરી જોવા મળે છે. રાજા અફલિત ઈંડામાંથી તૈયાર થાય છે, તે રાણીની સાથે વખતોવખત જરૂરીયાત મુજબ સંભોગ કરી રાણીની ફળદ્રુપતા જાળવી રાખે છે. રાણી પૂર્ણ વિકસિત માદા છે. તેનું મુખ્ય કાર્ય રાફડાનું સંચાલન કરવાનું અને ઈંડા મુકવાનું છે. રાણી ઈંડા મુકવાના મશીન જેવી કામગીરી કરે છે. એટલે કે જરૂરિયાત મુજબ ૨૪ કલાકમાં ૭૦ થી ૮૦ હજાર જેટલા ઈંડા, બીજા અર્થમાં કહીએ તો દર સેકન્ડે એક ઈંડું મુકવાની ક્ષમતા ધરાવે છે. મજુરોનો વિકાસ ફલિત ઈંડામાંથી થાય છે. મજૂરોની મુખ્ય કામગીરી રાણીએ મુકેલા ઈંડા યોગ્ય સ્થળે ખસેડવાનું, રાફડો બનાવવાનું, રાજા, રાણી, સૈનિક તેમજ બચ્ચાને જરૂરી ખોરાક પૂરો પાડવાની કામગીરી કરે છે. મજુર જાતિ જ પાકને નુકસાન કરે છે. સૈનિકો અફલિત ઈંડામાંથી તૈયાર થાય છે. જે વસાહતના રક્ષણ માટે હંમેશા લડાઈ કરવા તત્પર રહે છે.
નુકસાન
(૧) ઉધઈ જમીનમાં રહેલ છોડના મૂળના ભાગને કાપી ખાઈ છે અને ત્યારબાદ તે થડમાં માટીની ભૂંગળી બનાવીને છોડની ઉપર ચડે છે. આમ, મૂળનો જમીન સાથે સંપર્ક તૂટતા છોડ પીળો પડી ચીમળાઈને સુકાઈ જાય છે અને નવા ઉપદ્રવિત છોડને ઉપાડતા તે સહેલાઇથી ખેંચી શકાય છે.
(૨) ઘઉંના પાકની શરૂઆતના દિવસોમાં ઉધઈનો ઉપદ્રવ જોવા મળે તો ઉપદ્રવિત છોડ નાશ પામે છે. પાકના નીંઘલ અવસ્થા બાદ ઉપદ્રવ જોવા મળે તો ડુંડીમાં દાણા બેસતા નથી. જો દાણા બેસેલા હોય તો તે નાના તથા સંકોચાયેલા રહે છે. તેનો ઉપદ્રવ ખેતરમાં ટાલા સ્વરૂપે જોવા મળે છે. પાકને પાણીની ખેંચ વર્તાય તેમ તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
(૩) મગફળીના પાકમાં ઉધઈ મૂળ અને થડમાં નળીઓ (ગેલેરી) બનાવે છે. ડોડવા પર કાણા પાડી દાણાને કોરી ખાઈ છે. ડોડવાઓના ઉપરના ભાગને એટલે કે ફોતરાને એવી રીતે ખાઈ છે કે, જેથી ફોતરા પોચા બની જાય છે અને લણણીના સમયે તૂટી જાય છે.
(૪) શેરડીના પાકને ઉધઈ મૂળના ભાગને કાપીને નુકસાન પહોંચાડે છે. ઉપરાંત શેરડીના સાંઠા ઉપર માટીની ભૂંગળીઓ બનાવી છેક ઉપરના ભાગ સુધી પહોંચે છે. નવા રોપાણ સમયે શેરડીના ટુકડાને પણ નુકસાન કરે છે. આવી રીતે શેરડીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.
(૫) તુવેર અને ગુવારના પાકોમાં મૂળમાં નુકસાન થતાં ઉભા છોડ સુકાઈ જતા હોય છે. આ ઉપરાંત રીંગણ, ભીંડા, કપાસ, મકાઈ અને દિવેલા જેવા પાકોમાં મૂળ કાપીને નુકસાન કરે છે અને ત્યારબાદ છોડ પર ચડે છે. ક્ષેત્રીય પાકોમાં છોડના મૂળ ખવાઈ જતા છોડ સંપૂર્ણ પણે સુકાઈ જાય છે.
(૬) આંબો, જાંબુડો, નીલગીરી અને અન્ય મોટા વૃક્ષોમાં પણ થડ ઉપર માટીની ભૂંગળીઓ બનાવી છેક ઉપરના ભાગ સુધી ચડે છે અને પુષ્કળ પ્રમાણમાં નુકસાન કરે છે.
ઉધઈનું કર્ષણ પધ્ધતિથી નિયંત્રણ
(૧) મોટા ભાગે ખેડૂતો અધકચરુ કોહવાયેલું છાણીયું ખાતર વાપરે છે. જેમાં ઉધઈને પોતાનો ખોરાક મળી રહેતો હોવાથી તે તેમાં વસવાટ કરે છે. આમ, અધકચરુ કોહવાયેલું છાણીયું ખાતર વાપરવાથી ખેતરમાં ઉધઈનો ઉપદ્રવ વધે છે. જેથી સંપૂર્ણપણે કોહવાયેલું છાણીયું ખાતર વાપરવું જોઈએ.
(૨) જમીન તૈયાર કરતી વખતે લીંબોળી, દિવેલી કે કરંજનાં ખોળને સેન્દ્રિય ખાતર તરીકે જમીનમાં ઉમેરીને પિયત આપી અઠવાડિયા પછી વાવેતર કરવું જોઈએ, શક્ય હોય ત્યાં વર્મીકમપોસ્ટ આપવું.
(૩) સાંકડા ગાળે વાવેતર કરવાથી ઉધઈથી થતું નુકસાન અમુક અંશે સરભર કરી શકાય છે.
(૪) બિયારણનો દર વધારે રાખવાથી પણ ઉધઈથી થતું નુકસાન અમુક અંશે સરભર કરી શકાય છે.
(૫) રેતાળ અને ગોરાડુ જમીનમાં ઉપદ્રવ વધારે જોવા મળે છે, જયારે ભારે કાળી જમીનમાં ઉપદ્રવ ઓછો જોવા મળે છે. માટે જમીનના પ્રકારને ધ્યાને રાખીને તે પ્રમાણે પાકની પસંદગી કરવી જોઈએ.
(૬) મોટાભાગે ટપક પદ્ધતિથી પિયત આપવાની સરખામણીમાં ટૂંકા ગાળે રેલાવીને કે ફુવારા પદ્ધતિથી પિયત આપવાથી ઉપદ્રવ ધટે છે.
(૭) ગુવાર પછી ઘઉંનું વાવેતર કરવાથી ઉપદ્રવ વધે છે, જયારે બાજરીનો પાક લીધા બાદ ઘઉંનું વાવેતર કરવાથી ઉપદ્રવ ઓછો રહે છે. તે જ રીતે ચોમાસામાં પડતર જમીન રાખ્યા બાદ ઘઉંનું વાવેતર કરવાથી ઉપદ્રવ ઓછો રહે છે, જયારે મગ લીધા બાદ વાવેતર કરવાથી ઉપદ્રવ વધે છે.
(૮) પાકની કાપણી બાદ જમીન પર પડેલ પાકના જડિયાં/ડાળીઓ વગેરે યજમાનની ભૂમિકા ભજવતા હોવાથી ખેતરમાંથી વીણીને તેનો નિકાલ કરવો.
(૯) પાકની ફેરબદલી જમીનના પ્રકાર અને પરિસ્થિતિ મુજબ કરવી જોઈએ.
ઉધઈનું યાંત્રિક નિયંત્રણ
(૧) પ્રથમ વરસાદ સમયે રાફડામાંથી કુંવર-કુંવરી બહાર નીકળે ત્યારે પ્રકાશપિંજરનો ઉપયોગ કરવો હિતાવહ છે. સાદી રીત તરીકે હોજ/થાળા/કુંડી પર રાત્રે પ્રકાશિત બલ્બ શરૂ કરી નીચે રહેલ પાણીમાં કેરોસીન નાખી કુંવર-કુંવરીનો નાશ કરવાથી ઉધઈના નવા રાફડા બનતા અટકાવી શકાય છે.
(૨) ખેતરમાં અમુક અંતરે ઢાળીયામાં સુકા પાંદડા તેમજ અન્ય કચરો નાખી રાખવાથી ઉધઈના મજુરો આકર્ષાઈ છે. ઉપદ્રવ જોવા મળે ત્યારે આ પાંદડાને સળગાવવાથી ઉધઈનું નિયંત્રણ થઇ શકે છે.
(૩) ખેતર અથવા શેઢા પર રહેલ રાફડાને ખોદી, રાફડાના વચ્ચેના ભાગે રહેલ રાણીને બહાર કાઢી નાશ કરવો જરૂરી છે. જ્યાં સુધી રાણીને મારવામાં નહિ આવે ત્યાં સુધી રાફડો ફરીવાર બનાવવાનું ચાલુ રાખશે.
ઉધઈનું જૈવિક નિયંત્રણ
જમીનની અંદર ઉધઈ રાફડામાં રહેતી હોવાથી તેનું જૈવિક નિયંત્રણ કરવું મુશ્કેલ છે તેમ છતાં.....
(૧) જૈવિક નિયંત્રક જંતુનાશકો જેવા કે, લીમડાના પાન કે લીંબોળીના મીંજમાંથી બનાવેલ ભૂકો વાપરવાથી ઉધઈના ઉપદ્રવમાં ઘટાડો થાય છે.
(૨) બ્યુવેરીયા બેઝીયાના અને મેટારીઝીયમ એનીસોપ્લી જેવી કીટભક્ષી ફૂગોથી ઉધઈનું નિયંત્રણ થઇ શકે છે.
(૩) ચોમાસાની શરૂઆતમાં જમીનમાં દાખલ થતી વખતે ૯૦ થી ૯૫ ટકા ઉધઈનું નિયંત્રણ પક્ષી, ગરોળી, દેડકા, કીડીઓ, કૂતરા જેવાં પરભક્ષીઓ દ્વારા થાય છે.
ઉધઈનું રાસાયણિક નિયંત્રણ
(૧) કલોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી ૪૦૦ મિલિ અથવા બાયફેન્થ્રીન ૧૦ ઈસી ૨૦૦ મિલિ અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૬૦૦ મિલિ કીટનાશક ૫ લીટર પાણીમાં ભેળવીને ૧૦૦ કિલોગ્રામ ઘઉંના બીજને પટ આપી છાંયડે સુકવીને બીજે દિવસે વાવણી કરવી.
(૨) ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી હેકટરે ૨.૩૦૦ લીટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આપવી.
(૩) ઘઉંના ઉભા પાકમાં ઉપદ્રવ જણાય તો હેક્ટર દીઠ ૧.૬૦૦ લિટર ફીપ્રોનીલ ૫ એસસી ૫ લિટર પાણીમાં મિશ્રણ કરીને ૧૦૦ કિગ્રા રેતી સાથે ભેળવીને ઘઉંના ઉભા પાકમાં પૂંખ્યા બાદ હળવું પિયત આપવાથી ઉધઈનું નિયંત્રણ થાય છે.
(૪) શાકભાજીની નર્સરીમાં ઉધઈનો ઉપદ્રવ અટકાવવા માટે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૫૦ મીલી ૧૦ લિટર પાણીમાં ભેળવી જમીન તૈયાર કરતી વખતે આપવું.
(૫) ફળઝાડના રોપાને રોપવા માટે કરેલ ખાડાઓમાં કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૫૦ મીલી ૧૦ લિટર પાણીમાં ઉમેરી ખાડામાં રેડવું.
(૬) રાફડા દીઠ તેના કદને ધ્યાનમાં લઇ એલ્યુમિનીયમ ફોસ્ફાઈડ ૩ ગ્રામની એક કે બે ટેબલેટ નાખી ઉપર માટી નાખ્યા બાદ રાફડાને પાણીથી ભીંજવી દેવાથી અંદર રહેલ ઉધઈની તમામ જાતોનો નાશ કરી શકાય છે.
(૭) કલોરપાયરીફોસ ૨૦ ટકા ઇસી ૫ મીલી ૧ લિટર પાણીમાં ભેળવી રાફડાના કદને ધ્યાનમાં લઇ રાફડા દીઠ ૧૦-૨૫ લિટર પ્રવાહી મિશ્રણ રેડવાથી ઉધઈનું નિયંત્રણ કરી શકાય છે.
ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ જણાય તો તેનું બિનરાસાયણિક પદ્ધતિથી નિયંત્રણ
ઘઉંના પાકમાં થતું નીંદણ ચીનોપોડીયમ આલ્બમના ૭.૫ કિલો સુકા પાનના ભૂકાને ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧ હેક્ટર વિસ્તારમાં પ્રથમ પિયત વખતે ટીપે ટીપે આપવાથી ઉભા પાકમાં પણ ઉધઈનું અસરકારક નિયંત્રણ થઇ શકે છે. તેવી જ રીતે કેકટસ (ડીંડલીયો થોર) કચરીને તેમાંથી નીકળતું દુઘ પિયત સાથે ઉભા પાકમાં દરેક પિયત વખતે આપવાથી ઉધઈનું અસરકારક નિયંત્રણ થાય છે. ઉધઈ ઉપદ્રવિત ખેતરમાં સતત ત્રણ વર્ષ સુધી માવજત આપવાથી ઉધઈનો ઉપદ્રવ મહદ્અંશે ઘટાડી શકાય છે.
આ પણ વાંચો:નિંદણને કમજોર કરવાની ભૂલ ક્યારેય ન કરશો
Share your comments