અનાજની જરૂરિયાતને પહોંચી વળવા ઉત્પાદન અનેક ગણું વધારવાની જરૂર છે. સેંદ્રીય ખાતરો ઉપરાંત જમીનની પ્રત, પાક, પિયત વ્યવસ્થા તથા જમીન અને પાણી પૃથ્થકરણના તારણો આધારિત ઓછામાં ઓછા રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીને વધુ પાક ઉત્પાદન મેળવવાનો વિકલ્પ હાલ શ્રેષ્ઠ છે. પરંતુ દિવસે દિવસે રાસાયણિક ખાતરો મોંધા થતા જાય છે. તેથી તેનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં ન આવેતો માનવજાત, જમીન, વાતાવરણ, જીવજંતુઓ, દેશના અર્થકારણ અને ઉત્પાદન ઉપર અનેક આડઅસરો ઉભી કરી શકે તેમ છે. આથી મોંઘુ ખાતર વાપરતા પહેલા તેનો સમજપૂર્વકનો ઉપયોગ કરવાની પધ્ધતિઓ અને ચાવીરૂપ બાબતો સમજી લઈએ તો જ આપણે ખાતરનો ખોટો ખર્ચ બચાવી, પર્યાવરણમં પ્રદુષણ અટકાવી શકીએ તથા ખાતરના રૂપમાં ખર્ચેલા પૈસાનો બદલો ઉત્પાદન અથવા નફાના રૂપમાં મેળવી શકીએ. કોઇપણ છોડ-પાકના સપ્રમાણ વૃધ્ધિ અને વિકાસ માટે ૧૭ પોષક તત્વોની જરૂરિયાત હોય છે, આ નક્કી થયેલા આવશયક પોષક તત્વોનું વર્ગીકરણ છોડની જરૂરીયાતની માત્રા મુજબ તથા જમીનની ઉપલબ્ધતાને આધારે કરવામાં આવે છે અને છોડ આ પોષક તત્વોને જમીનમાંથી તેના મૂળ વડે ખેંચી તેની જરૂરિયાત પૂરી કરે છે. જો જમીનમાં છોડની જરૂરિયાત કરતા કોઇ એક કે વધારે પોષક તત્વોની ઉણપ હોય તો છોડની વૃધ્ધિ અને વિકાસ અટકી જાય છે અને જે તે પોષક તત્વને ખાતર તરીકે બહારથી આપવાની જરૂરિયાત થાય છે. પાકના વૃધ્ધિ અને વિકાસમાં જો કોઈ મહત્વનો ભાગ ભજવતુ હોય તો તે છે નાઈટ્રોજન પોષકતત્વ. ભારતમાં મોટાભાગની ખેત-જમીન નાઇટ્રોજન તત્વની ઉણપ ધરાવે છે, અને આપણાં ગુજરાતની જમીનોમાં નાઈટ્રોજનનું પ્રમાણ ઓછુ હોવાથી અને નાઇટ્રોજનની જરૂરીયાત છોડના સંપૂર્ણ સમયગાળા દરમિયાન હોવાથી કેવા પ્રકારના નાઇટ્રોજન યુકત ખાતરો નો ઉપયોગ કરી શકાય? જેનાથી પાક અવધિ દરમિયાન છોડને સમયસર મળતાં રહે.
ભારતમાં યુરિયા જેવા રાસાયણિક ખાતરોના વપરાશનાં આંકડાઓનો અભ્યાસ કરતા ધ્યાનમાં આવે છે કે ભારતમાં વપરાતા ખાતરનો લગભગ ૬૬ ટકા વપરાશ ફકત નાઇટ્રોજન ખાતરોમાં વપરાય છે. એમા પણ ૮૫ ટકા યુરિયા ખાતરનો વપરાશ છે. નાઇટ્રોજનયુક્ત ખાતરોમાં ખાસ કરીને યુરીયા ખાતરનો વપરાશ વધુ થાય છે તેનુ મુખ્ય કારણ એ છે કે સૌથી વધારે એટલે ૪૬ ટકા નાઇટ્રોજન પોષક તત્વ યુરિયામાં હોય છે, યુરિયા વાપરવામાં સરળ અને સસ્તુ છે સાધરણ એસિડિક છે તે જમીનમાંથી સાધારણ કેલ્શિયમ ઓછો કરે છે અને તેથીજ ખેડુતોમાં તે પ્રચલિત છે.
યુરિયાની કાર્ય પધ્ધતિ:
જ્યારે યુરિયા ખાતર જમીનમાં ઉમેરવામાં આવે છે ત્યારે યુરિયાના દાણા જમીનમાં રહેલ ભેજના લીધે સંપૂર્ણ રીતે ઓગળી જાય છે અને જમીનમાં રહેલ યુરિએજ એન્જાઇમના કારણે તેનુ વિઘટન થાય છે અને આયનિક સ્વરૂપમાં તેના ઘટકો છૂટા પડે છે. જેમાં અમોનિયમ આયન મુખ્ય ઘટક છે જેનો અમુક ભાગ છોડ પોષક તત્વ તરીકે તેંના મૂળ મારફતે ખેંચે છે, અમુક ભાગ જમીનમાં રહેલ બીજા જીવાણુઓ- નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર મારફતે, નાઇટ્રેટ આયનમાં બદલાય છે અને તેને પણ છોડ પોષક તત્વ તરીકે ઉપાડે છે. અને આમ ધીરે-ધીરે જમીનમાં રહેલ યુરિયા ખાતરનો જથ્થો ઓછો થાય છે. અહિયા સમજવુ ખાસ જરૂરી છે કે જમીનમાં આ પ્રક્રિયાની સાથે-સાથે ઘણી બધી ભૌતિક, રાસાયણિક અને જૈવિક ક્રિયાઓ થવાના કારણે અમોનિયમ આયનની અમુક જથ્થો અમોનિયા ગેસ સ્વરૂપમાં ફેરવાઇને જમીનમાંથી ઉડી જાય છે અને તે છોડને મળતું નથી જ્યારે નાઇટ્રેટ આયનનો અમુક જથ્થો જો જમીન સારી નિતાર વાળી કે રેતાળ હોય તો પિયતના પાણીની સાથે-સાથે જમીનમાં મૂળ કરતા ઉંડે ઉતરી જાય છે જેનાથી તેનો વ્યય થાય છે અને તે છોડને મળતું નથી. જો જમીનમાં પાણી ભરાઇ રહેતુ હોય તો નાઇટ્રેટ આયન નાઇટ્રોજન ગેસમાં બદલાય છે અને નાઇટ્રોજન ગેસ હવામાં જતુ રહે છે અને તેનો વ્યય થાય છે. આ ઘણી બધી પ્રક્રિયાઓ જમીનમાં ભેજ અને વાયુનો પ્રમાણ, અમ્લતાના આંક અને હવામાન, વગેરે પર આધાર રાખે છે. સરેરાશ નાઇટ્રોજન ખાતરની કાર્યક્ષમતા ફકત ૩૦ થી ૫૦ ટકા હોય છે જ્યારે આશરે ૫૦ થી ૭૦ ટકા નાઇટ્રોજન તત્વનો જમીન અને હવામાન પ્રમાણે એક કે વધુ કારણોસર જુદા-જુદા પ્રકારથી વ્યય થાય છે. જુદી-જુદી પરિસ્થિતિમાં યુરિયાની કાર્યક્ષમતા ૩૦ થી ૫૦ ટકા રહે છે- (અ) ક્ષાર વાળી જમીનમાં અમોનિયા ગેસના સ્વરૂપે, (બ) રેતાળ જમીનમાં નાઇટ્રેટ આયનના સ્વરૂપે (ક) જો જમીનમાં પાણી ભરેલ રહેતુ હોય તો યુરિયાની જમીનમાં ક્રિયા થકી નાઇટ્રોજન ગેસના સ્વરૂપે બગાડ થાય છે. આપ સૌની જાણ માટે ફાસ્ફોરસ ખાતરની કાર્યક્ષમતા આશરે ૨૦ ટકા જ્યારે પોટાશ ખાતરની કાર્યક્ષમતા આશરે ૫૦ થી ૬૦ ટકા જેટલી હોય છે.
નીમ લીપીત યુરિયા એટલેશું?
નીમ લીપીત યુરિયા ટ્રાઇટરપેન્સ નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયાની પ્રવૃત્તિને અટકાવે છે જેનાથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુંઓથી એમોનિકલ નાઇટ્રોજનનું નાઇટ્રેટ નાઇટ્રોજનમાં રૂપાંતર જેને વૈજ્ઞાનિક ભાષામાં નાઇટ્રીફિકેશન કહેવાય છે પ્રક્રિયાને ધીમી કરે છે. આને કારણે પાકને નાઇટ્રોજન તત્વ ધીમે ધીમે અને લાંબા સમય સુધી મળે છે, પરિણામસ્વરૂપે યુરિયાનો કાર્યક્ષમ ઉપયોગ થશે. સાદા યુરિયાની સરખામણીમાં ઓછો ભેજ ધારણ કરે છે, કારણ કે ધીરે-ધીરે ઓગળતા યુરિયાના દાણાની ફરતે પાણીમાં ધીમે-ઘીમે ઓગળતા કેમિકલ (તેલ)ની પરત (પટ) ચઢાવવામાં આવે છે. આમ, યુરિયાને ધીમે-ધીમે છૂટા પાડવા માટે ઘણાબધા કેમિકલ વપરાય છે જેમા લાખ, કેરોસીન, સલ્ફર, જિંક, લીંબોડીનું તેલ વગેરે નો સમાવેશ થાય છે.જેથી યુરિયાની થેલીમાં યુરિયા ખાતર જામી જવાની (ગાંગડા બનવાની) શક્યતા ઓછી રહે છે. જોકે યુરિયાના ઓછા બગાડથી જળ, જમીન અને પર્યાવરણને નુકશાન ઓછુ થાય છે એ જુદુ. આથી વ્યાપારિક ધોરણે ખેડુતોને ઉપયોગ માટે ભારત સરકારે વર્ષ ૨૦૦૪માં નીમ લેપિત યુરિયાને ફર્ટીલાઇઝર કંટ્રોલ ઓર્ડરમાં સામેલ કર્યુ હતું.
નીમ લેપિત યુરિયાના પંજાબ, હરિયાણા, રાજસ્થાન. મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં ૨૫૦ જેટલા ખેડુતોના ખેતર ઉપર ગોઠવેલ નિદર્ષનોમાં નીમ લેપિત યુરિયાથી ૬ થી ૧૧ ટકા જેટલું વધારે ઉત્પાદન મળેલ છે. દેશમાં ઉત્પાદિત આશરે ૨૦-૨૫ ટકા જેટલું યુરિયા નીમ લેપિત હોય છે. ખેડુતોનું ઉત્પાદન ૧૦ ટકા જેટલુ વધે છે. મજૂરી ખર્ચમાં ધટાડો થાય છે અને ખેડુતો ની આવક વધે છે. જ્યારે જો યુરિયાના વપરાશમાં ૧૦ ટકા જેટલો પણ જો ધટાડો થાય તો યુરીયાને આયાત કરવી જરૂરિયાત ઓછી થઇ જશે. અને કરોડો રૃપિયાનું વિદેશી હુંડિયામણની બચત થશે.
નીમ લીપીત યુરિયાના વપરાશ થી થતા ફાયદા
- જમીનમાં નાઇટ્રોજન તત્વનો વ્યય થતો અટકાવે છે, જેથી યુરીયા ખાતરની કાર્યક્ષમતા ૨૦-૨૫ ટ્કાનો વધારો થાય છે.
- જમીનની ભૌતિક રાસાયણિક અને જૈવિક બંધારણમાં સુધારો થયો
- નીમ લીપીત યુરિયા ખાતરની વધુ કાર્યક્ષમતા ને કારણે પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે.
- નીમ લીપીત યુરીયાથી ખાતરના વપરાશમાં ૧૦ થી ૧૫ ટકા જેટલી બચત થાય છે.
- ખેતી ખર્ચમાં ધટાડો થાય છે થતા ખેડુતની આવકમાં વધારો થાય છે.
- લીંબોળીના તેલમાં રહેલ એઝાડિરેકટીન નામના રસાયણને લીધે પાકને રોગ અને જીવાતથી રક્ષણ મળે છે.
- હવા, જમીન અને ભૂગર્ભ જળના પ્રદુષણમાં ઘટાડો થતા કુદરતી સ્ત્રોતોની ગુણવતા સુધરી
- નીમ લેપિત યુરિયા નો ઉપયોગ માત્ર કૃષિ ક્ષેત્રે થતા અને અન્ય ઔધગિક વ્યવસાયમાં બિનઉપયોગી સાબિત થતા સમયસર નીમ લેપિત યુરિયા ખેડૂતને મળતુ થયુ.
- યુરિયાના વપરાશમાં ધટાડો થતા યુરીયાને આયાત ઓછી થઇ અને કરોડો રૃપિયાનું વિદેશી હુંડિયામણની બચત થઈ.
આ પણ વાંચો:કપાસને કીટકોથી બચાવો અને મગફળીને રોગથી બચાવો
ર્ડા. જસ્મી આર. પટેલ૧, કુ. ચેના પંચાલ૧ અને શ્રી. મુકેશ. પી. ચૌધરી૨
ચી.પ.કૃષિ મહાવિદ્યાલય, સરદારકૃષિનગર૧ અને કૃષિ મહાવિદ્યાલય, થરાદ૨
Share your comments